<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

હલ્દવાની રામલીલા મેદાન ‘શુદ્ધિકરણ’ વિવાદ: નૈનીતાલ પોલીસે દાખલ કરી નવી FIR: SP ક્રાઇમને સોંપાઈ ક્ષેત્રિય તપાસ

રાજ્યભરમાંથી મળેલી ૮૦ અરજીઓની કાનૂની સમીક્ષા બાદ પોલીસનું કદમ: BNS અને SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ

નૈનીતાલ :   ઉત્તરાખંડના હલ્દવાની સ્થિત રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની જાહેર સભા બાદ યોજાયેલા કથિત ‘શુદ્ધિકરણ’ કાર્યક્રમને લગતા વિવાદમાં નૈનીતાલ પોલીસે મોટું કાનૂની પગલું ભર્યું છે. કોંગ્રેસ કાર્યકર અને સામાજિક કાર્યકર અંજુની લેખિત ફરિયાદના આધારે હલ્દવાની કોતવાલી પોલીસ સ્ટેશનમાં નવી FIR દાખલ કરવામાં આવી છે. આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૯૬, ૨૯૯ અને SC/ST (અત્યાચાર નિવારણ) કાયદાની કલમ ૩(૧)(R) હેઠળ નોંધવામાં આવ્યો છે.

મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નૈનીતાલના SSP મંજુનાથ TC એ સમગ્ર તપાસ ગેઝેટેડ અધિકારી અને પોલીસ અધિક્ષક (ગુના) જગદીશ ચંદ્રને સોંપી છે.
 SSP મંજુનાથ TC ના જણાવ્યા અનુસાર, આ કેસમાં કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરતી કુલ ૮૦ અરજીઓ મળી હતી, જેમાંથી ૧૯ અરજીઓ નૈનીતાલ જિલ્લામાંથી હતી. તમામની કાનૂની સમીક્ષા બાદ સૌથી પહેલી ફરિયાદ નોંધાવનાર અંજુની અરજીના આધારે કેસ નોંધવાનો નિર્ણય લેવાયો છે.

ગત ઓગસ્ટ માસમાં મલ્લિકાર્જુન ખડગેની રેલી પૂર્ણ થયા બાદ ‘શ્રી રામ સેના’ ના સભ્યો દ્વારા સ્થળ પર કથિત રીતે ‘શુદ્ધિકરણ હવન’ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ ઘટનાને દલિત નેતા અને સામાજિક સમાનતાનું અપમાન ગણાવી વ્યાપક વિરોધ દર્શાવ્યો હતો.

 આ સમગ્ર વિવાદને લઈને નૈનીતાલ હાઈકોર્ટમાં પણ એક જાહેર હિતની અરજી (PIL) પણ દાખલ કરવામાં આવી છે, જેમાં સ્વતંત્ર તપાસની માંગ કરાઈ છે. નૈનીતાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે વીડિયો પુરાવા અને દસ્તાવેજોના આધારે તપાસ ઝડપથી આગળ ધપાવવામાં આવશે.

(6:55 PM IST)