<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

હમાસને મળ્યા નવા બોસ: 7 ઓક્ટોબરના હુમલાના માસ્ટરમાઇન્ડ ખલીલ અલ-હૈયાએ સંભાળી કમાન!

યાહ્યા સિનવાર અને ઇસ્માઇલ હનિયાના મોત બાદ આતંકવાદી સંગઠનમાં મોટો ફેરફાર : કટ્ટરપંથી વિચારધારા ધરાવતા અલ-હૈયાએ ગાઝા હુમલાને 'મહાન સિદ્ધિ' ગણાવી ઇઝરાયલ સામે જંગ જારી રાખવાનો આપ્યો સંકેત

ગાઝા :   મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે આતંકવાદી સંગઠન હમાસે પોતાના નવા સર્વોચ્ચ નેતાની જાહેરાત કરી દીધી છે. કટ્ટરપંથી નેતા ખલીલ અલ-હૈયાને હમાસના નવા પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. અગાઉ ગાઝામાં હમાસના રાજકીય બ્યુરોનું નેતૃત્વ કરી ચૂકેલા અલ-હૈયાએ 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર થયેલા ભયાનક હુમલા અને હત્યાકાંડને "મોટી સિદ્ધિ" અને "મહાન કાર્ય" ગણાવ્યું છે. તેમનું માનવું છે કે આ હુમલાને કારણે જ ભૂલાઈ ગયેલો પેલેસ્ટિનિયન મુદ્દો ફરી એકવાર સમગ્ર વિશ્વના રાજકીય મંચ પર પ્રમુખતાથી આવી ગયો છે.

હમાસના પૂર્વ નેતાઓ યાહ્યા સિનવાર અને ઇસ્માઇલ હનિયાની હત્યા બાદ આ સંગઠન પાંચ સભ્યોની લીડરશિપ કાઉન્સિલ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું, જેમાં અલ-હૈયા સૌથી પ્રભાવશાળી ચહેરો બનીને ઉભર્યા છે. યુદ્ધવિરામ અને બંધકોની અદલાબદલી માટેની વાટાઘાટોમાં તેઓ હમાસ તરફથી મુખ્ય વાટાઘાટકાર રહ્યા છે. ગાઝા પટ્ટીમાં જન્મેલા અલ-હૈયાએ ઇસ્લામિક સ્ટડીઝમાં પીએચડી કર્યું છે અને તેઓ 1987માં હમાસની સ્થાપના થઈ ત્યારથી જ સંગઠન સાથે સક્રિય રીતે જોડાયેલા છે. 7 ઓક્ટોબરના હુમલાના થોડા સમય પહેલા જ તેઓ ગાઝા છોડીને કતાર શિફ્ટ થઈ ગયા હતા અને ત્યાંથી જ પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.

અલ-હૈયાનો ઇતિહાસ અત્યંત કટ્ટરપંથી રહ્યો છે અને તેઓ ઇઝરાયલ સામે કોઈપણ સમજૂતી વગર લડાઈ ચાલુ રાખવાના પક્ષધર છે. ઇઝરાયલી હુમલાઓમાં તેમણે પોતાની પત્ની અને પુત્રો સહિત પરિવારના અનેક સભ્યો ગુમાવ્યા છે, છતાં તેમના વલણમાં કોઈ નરમતા આવી નથી. 2025 માં દોહા ખાતે થયેલા એક હવાઈ હુમલામાં પણ તેઓ બાલ-બાલ બચ્યા હતા. અલ-હૈયાનું સ્પષ્ટ કહેવું છે કે 7 ઓક્ટોબરના હુમલાનો મુખ્ય હેતુ ઇઝરાયલી સૈનિકોને કેદ કરીને પેલેસ્ટિની કેદીઓને છોડાવવાનો અને સમગ્ર વિસ્તારનું રાજકીય સમીકરણ બદલવાનો હતો. હવે તેમના નેતૃત્વ હેઠળ હમાસ આગળ કેવા પગલાં ભરે છે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

(8:34 PM IST)