તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
હવામાં હંટાવાયરસનો ફફડાટ! KLM ફ્લાઇટની એર હોસ્ટેસમાં દેખાયા જીવલેણ વાયરસના લક્ષણો, હોસ્પિટલમાં દાખલ
જોહાનિસબર્ગથી એમસ્ટરડેમ જતી ફ્લાઇટમાં મહિલા પેસેન્જરના મોત બાદ ખળભળાટ: ડચ આરોગ્ય વિભાગ એલર્ટ પર, મુસાફરોની શોધખોળ શરૂ

એમસ્ટરડેમ, તા.૦૭: નેધરલેન્ડ્સની જાણીતી એરલાઇન KLMની એક ફ્લાઇટ એટેન્ડન્ટમાં હંટાવાયરસ (Hantavirus) ના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને એમસ્ટરડેમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે એર હોસ્ટેસ એક ડચ મહિલાના સંપર્કમાં આવી હતી, જેનું દક્ષિણ આફ્રિકામાં આ વાયરસને કારણે મોત નીપજ્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
ડચ આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એર હોસ્ટેસમાં હળવા લક્ષણો દેખાયા બાદ તેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે જોહાનિસબર્ગથી એમસ્ટરડેમ જતી ફ્લાઇટ KL592 માં એક મહિલાની તબિયત લથડી હતી. ક્રૂ મેમ્બર્સ દ્વારા સાવચેતીના ભાગરૂપે તે મહિલાને ઉડાન પહેલા જ પ્લેનમાંથી ઉતારી દેવામાં આવી હતી, પરંતુ બાદમાં તે મહિલાનું દક્ષિણ આફ્રિકામાં હંટાવાયરસને કારણે મૃત્યુ થયું હતું.
મુસાફરોનો સંપર્ક કરવાની કવાયત તેજ
KLM એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તે સમયે પેસેન્જરની તબીબી સ્થિતિ જોતા ક્રૂએ તેમને મુસાફરી ન કરવા દેવાનો નિર્ણય લીધો હતો." મહિલાને પ્લેનમાંથી ઉતાર્યા બાદ ફ્લાઇટ નેધરલેન્ડ્સ માટે રવાના થઈ હતી. જોકે, હવે સાવચેતીના ભાગરૂપે ડચ આરોગ્ય અધિકારીઓ તે ફ્લાઇટમાં હાજર અન્ય મુસાફરોનો સંપર્ક કરી રહ્યા છે જેથી વાયરસના સંભવિત ફેલાવાને રોકી શકાય.
હંટાવાયરસ શું છે?
હંટાવાયરસ સામાન્ય રીતે ઉંદરો દ્વારા ફેલાય છે અને જો તેની સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે આ વાયરસ એક માણસથી બીજા માણસમાં ફેલાવો ખૂબ જ દુર્લભ છે, પરંતુ એર હોસ્ટેસમાં જોવા મળેલા લક્ષણોએ તબીબોને વિચારતા કરી દીધા છે. હાલમાં એરલાઇન અને આરોગ્ય વિભાગ આ મામલે અત્યંત ગુપ્તતા અને કડકાઈથી દેખરેખ રાખી રહ્યા છે જેથી એમસ્ટરડેમમાં કોઈ નવો ખતરો ન પેદા થાય.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
