News of Saturday, 7th November 2026
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ખાસ ગુંદો હરિ બોક્સર અમેરિકામાં ઝડપાયો, રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ અને બોલિવૂડ સેલેબ્સને ધમકી આપવાનો હતો આરોપ
અમેરિકી એજન્સીઓએ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારની જવાબદારી લેનારા અને બોલિવૂડ કલાકારો પાસે ખંડણી માંગનારા વોન્ટેડ ગુનેગાર હરિ બોક્સરને કેલિફોર્નિયાથી ઝડપી પાડ્યો છે.

મુંબઈ : લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ એક કુખ્યાત સાગરીત પર કાયદાનો ગાળિયો કસાઈ ગયો છે. અમેરિકી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ ઓથોરિટીએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ખાસ સાથીદાર હરિ બોક્સરને અમેરિકાના કેલિફોર્નિયામાંથી અટકાયતમાં લીધો છે. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે આંતરરાષ્ટ્રીય અને ભારતીય એજન્સીઓ તેના અપરાધિક નેટવર્કને તોડી પાડવા માટે સતત પ્રયાસો કરી રહી હતી. હરિ બોક્સર એ જ વ્યક્તિ છે જેણે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને થયેલા ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી અને બોલિવૂડના અન્ય દિગ્ગજોને પણ નિશાન બનાવ્યા હતા.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે હરિ બોક્સર દ્વારા વોઈસ મેસેજના માધ્યમથી બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને રોહિત શેટ્ટી પાસે વીસ કરોડ રૂપિયાની તોતિંગ ખંડણીની માંગણી કરવામાં આવી હતી અને જો માંગણી ન સંતોષાય તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી. ભારતના રાજસ્થાન, પંજાબ અને દિલ્હી જેવા અનેક રાજ્યોમાં તેના વિરુદ્ધ અગાઉથી જ અનેક ગંભીર ફોજદારી કેસો નોંધાયેલા છે. આટલું જ નહીં, કેનેડાના સરે ખાતે આવેલા હાસ્ય કલાકાર કપિલ શર્માના કાફે પર થયેલી ગોળીબારની ઘટના સાથે પણ તેનું નામ જોડવામાં આવ્યું હતું. હવે ભારતીય સુરક્ષા એજન્સીઓ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને તેને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા તેજ કરી રહી છે.
આ દરમિયાન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા અન્ય એક કેસની પણ સમાંતર તપાસ ચાલી રહી છે જેમાં અભિનેતા તુષાર કપૂરને પાંચ કરોડ રૂપિયાની ખંડણીનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ હરિ બોક્સર તરીકે આપી હતી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો હતો. જો કે પ્રારંભિક પોલીસ તપાસ અને અવાજના નમૂનાની સરખામણી પરથી શંકા ઊભી થઈ છે કે ફોન કરનાર કોઈ નકલી વ્યક્તિ હોઈ શકે છે જે ગેંગના નામનો દુરુપયોગ કરી રહ્યો હતો. આ મામલે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી, પરંતુ પોલીસ દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
મુંબઈ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ બોલિવૂડ અને દેશના અન્ય ભાગોમાં સક્રિય આ સંગઠિત અપરાધ સિન્ડિકેટની જડો ઉખેડી નાખવા માટે કામ કરી રહી છે. તાજેતરમાં જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલી ગોળીબારની અન્ય ઘટનાની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હરિ બોક્સરની અમેરિકામાં ધરપકડ થવાથી હવે ભારતીય કાયદાકીય એજન્સીઓને આશા છે કે ટૂંક સમયમાં તેને ભારત લાવીને પૂછપરછ કરવામાં આવશે જેનાથી અનેક વણઉકેલાયેલા રહસ્યો બહાર આવશે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
