News of Wednesday, 21st October 2026
અફઘાનિસ્તાનમાં અતિશય ગરીબી વચ્ચે ૫૮ બાળકોના પિતાની દયનીય દાસ્તાન: "મને મારા તમામ બાળકોનાં નામ પણ યાદ નથી", મુહમ્મદ સાદિકના સંઘર્ષની રૂંવાડા ખડા કરી દેતી કહાની
ચાર પત્નીઓ અને અસંખ્ય સંતાનોના પિતા હોવા છતાં રોજિંદા ભોજન અને પાયાની જરૂરિયાતો માટે ઝઝૂમી રહ્યો છે પરિવાર; ગાડી વેચવા પર મળે છે માત્ર ૧૫ ડોલર, કઠિન પરિસ્થિતિએ જગાવ્યા ગંભીર સવાલો.

કાબુલ, તા.21: અફઘાનિસ્તાનના ખૂણેથી એક અત્યંત હ્રદયદ્રાવક અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જેણે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. અહીં એક એવા પિતા છે જેમને ૭૦થી વધુ સંતાનો છે અને હાલ તેમના ૫૮ બાળકો હજી જીવિત છે. અત્યંત ગરીબીના માહોલમાં જીવતા આ વિશાળ પરિવારના મોભી મુહમ્મદ સાદિક પોતાના બાળકોને પાયાની જરૂરિયાતો પણ પૂરી પાડી શકતા નથી. ચાર પત્નીઓ સાથે માટીના જર્જરિત મકાનોમાં રહેતા સાદિકનો આખો પરિવાર રોજીરોટી માટે રોજ સંઘર્ષ કરી રહ્યો છે.
'બીબીસી ગ્લોબલ વિમેન' ના અહેવાલ મુજબ, સાદિકનું સૌથી નાનું બાળક હજી માત્ર ત્રણ મહિનાનું જ છે. પરિવારમાં બાળકોની સંખ્યા એટલી બધી છે કે પિતા સાદિકે ખુદ સ્વીકાર્યું છે કે તેમને પોતાના બધા બાળકોનાં નામ સુદ્ધાં યાદ નથી રહેતા. મોટાભાગે તેઓ બાળકોને માત્ર 'બેટા' કે 'બાળક' કહીને જ બોલાવે છે. તેમની આ આર્થિક લાચારી અને સંઘર્ષે પિતા તરીકેની તેમની જવાબદારીઓ સામે મોટા સવાલો ખડા કર્યા છે.
પરિવારની દૈનિક આવક અને રહેણીકરણી તેમની ગંભીર ગરીબીની સાક્ષી પૂરે છે. સાદિક એક સ્થાનિક કાર ડીલરશીપમાં કામ કરે છે, જ્યાં તેમને દરેક કાર વેચવા બદલ માત્ર ૧,૦૦૦ અફઘાની એટલે કે આશરે ૧૫ ડોલર (અધિકારીક ચલણ મુજબ) જેટલી મજૂરી મળે છે. આ જ રકમ તેમના પરિવારના ભરણપોષણનો એકમાત્ર સહારો છે. ઘરના દરવાજા અને બારીઓ તૂટેલા છે, જેને ઢાંકવા માટે માત્ર પાતળા પડદાનો ઉપયોગ થાય છે. શિયાળામાં કે ઠંડીમાં બળતણ માટે લાકડાં ખરીદવાના પૈસા ન હોવાથી આ પરિવાર ભોજન રાંધવા માટે કાગળ અને કચરો બાળવા મજબૂર બને છે.
ખોરાકની ભારે અછતના કારણે ઘણીવાર નાના બાળકો ભૂખે પેટે જ સૂઈ જાય છે, તો કેટલાક બાળકો પાસે પહેરવા માટે પગરખાં પણ નથી અને તેઓ ખુલ્લા પગે ફરવા લાચાર છે. સાદિકે એ દુખદ વાતો પણ જણાવી કે તેમની ચારેય પત્નીઓના લગ્ન નાની વયે થયા હતા, જેના કારણે નાની ઉંમરની માતાઓને બાળકોના ઉછેરની કોઈ સમજ નહોતી. ક્ષય રોગ (ટીબી), ડાંગિયા ઉધરસ અને ઓરી જેવી ગંભીર બીમારીઓ તેમજ યોગ્ય સારવારના અભાવે તેમના ઘણા બાળકો શિશુ અવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતા.
આ અતિશય ગરીબી અને લાચારી જોઈને સાદિક આજે પસ્તાવો અનુભવી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે, "જો મને અગાઉથી ખબર હોત કે અમારે પાયાના અનાજ માટે પણ આટલી ભીખ માંગવી પડશે કે સંઘર્ષ કરવો પડશે, તો મેં ક્યારેય આટલા બધા બાળકો પેદા કર્યા ન હોત." અફઘાનિસ્તાનની આ કરુણ કહાની યુદ્ધગ્રસ્ત દેશોમાં પ્રવર્તતી ગરીબી, અજ્ઞાનતા અને માનવીય સંકટની ભયાનક તસવીર રજૂ કરે છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
