<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

હરિયાણામાં પર્યાવરણ સંરક્ષણ માટે કડક કાયદો: વગર મંજૂરીએ વૃક્ષ કાપવા પર ૧૦ હજાર દંડ અને જેલની સજા

વન વિસ્તાર બહાર ગ્રીન ટ્રી કાપવા પર રોક લગાવવા માટે સરકારે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં દંડ અને ૧૦ નવા વૃક્ષો વાવવાની જોગવાઈ કરાઈ છે.

ચંદીગઢ : રાજ્યમાં હરિયાણા સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી વન વિસ્તાર બહાર આવેલા વૃક્ષોની કતલ સામે કડક નિયમો લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જે અંતર્ગત વન વિભાગ દ્વારા હરિયાણા વૃક્ષ સંરક્ષણ અધિનિયમ, ૨૦૨૬ નો નવો ડ્રાફ્ટ જાહેર કરીને ૩૦ નવેમ્બર સુધી જાહેર સૂચનો મંગાવવામાં આવ્યા છે.

 

આ નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, જો કોઈ પણ વ્યક્તિ વન વિસ્તાર સિવાયના સ્થળોએથી લીલું વૃક્ષ કાપવા માંગતો હોય તો તેણે ફરજિયાતપણે સત્તાવાર 'ટ્રી ઓફિસર' પાસેથી અગાઉથી પરવાનગી લેવી પડશે તેમજ કાપવામાં આવેલા પ્રત્યેક વૃક્ષના બદલામાં દસ નવા વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવો પડશે.

 

જો કોઈ વ્યક્તિ વગર મંજૂરીએ લીલું વૃક્ષ કાપશે કે તેને નુકસાન પહોંચાડશે તો તેને પ્રતિ વૃક્ષ દસ હજાર રૂપિયાનો આર્થિક દંડ ફટકારવામાં આવશે, ઉપરાંત વૃક્ષારોપણ ખર્ચની વીસ ગણી રકમ પર્યાવરણીય વળતર તરીકે વસૂલવામાં આવશે.

 

આ કાયદાની ગંભીરતા દર્શાવતા ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ દોષિત વ્યક્તિ નિર્ધારિત દંડ અને વળતર ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઓછામાં ઓછી ત્રણ મહિના સુધીની જેલની સજા ભોગવવી પડી શકે છે.

 

સામાન્ય જનતા અને ખેડૂતોને રાહત આપવા માટે ડ્રાફ્ટમાં સ્પષ્ટ કરાઈ છે કે કૃષિ વિસ્તારોમાં વૃક્ષો કાપવા માટે કોઈ પરવાનગીની જરૂર રહેશે નહીં, અને સૂકાઈ ગયેલા વૃક્ષોને હટાવવા માટે પણ મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે લીલા વૃક્ષની અરજી પર અધિકારીઓએ ૩૦ દિવસમાં નિર્ણય લેવો પડશે.

 

આગામી સમયમાં આ નવા અધિનિયમનો અમલ શરૂ થયા બાદ ગેરકાયદેસર વૃક્ષોની કતલ પર રોક લાગશે અને રાજ્યમાં પર્યાવરણીય સંતુલન જાળવી રાખવામાં મોટી મદદ મળશે તેવી વહીવટી તંત્ર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(8:56 PM IST)