News of Tuesday, 8th September 2026
હસીનાને કેપ્ચર કરી ફાંસી આપવામાં આવશે અને અપીલની તક નહીં મળે: બાંગ્લાદેશનું કડક નિવેદન
બાંગ્લાદેશના માહિતી સલાહકાર જાહેદ ઉર રહેમાને કહ્યું કે શેખ હસીનાના પ્રત્યાર્પણ વિના ભારત સાથેના સંબંધો સુધરશે નહીં:ટ્રિબ્યુનલે અગાઉ હસીનાને મોતની સજા ફટકારી હતી અને અવામી લીગ પર પ્રતિબંધ મુકાયો હતો.

ભારત અને પડોશી દેશ બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં સર્જાયેલો તણાવ ઘટવાના બદલે વધુ વણસતો જોવા મળી રહ્યો છે. તારિક રહેમાન સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને ભારત સામે ખુલ્લી શરત મૂકવામાં આવી છે. બાંગ્લાદેશના માહિતી સલાહકાર જાહેદ ઉર રહેમાને જણાવ્યું છે કે જ્યાં સુધી ભારત શેખ હસીનાને ઢાકા પરત નહીં મોકલે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સામાન્ય થઈ શકે નહીં.
જાહેદ ઉર રહેમાને અત્યંત આક્રમક નિવેદન આપતાં કહ્યું કે તેમની સરકાર શેખ હસીનાને સુરક્ષિત રીતે કેપ્ચર કરીને પાછા લાવવા માંગે છે. તેમણે દાવો કર્યો કે દેશમાં પગ મૂકતાંની સાથે જ શેખ હસીનાએ સજાનો સામનો કરવો પડશે અને તેમને સ્થાનિક અદાલતમાં અપીલ કરવાની કોઈ તક મળશે નહીં. તેમના મતે સરકાર શેખ હસીના પોતાની મરજીથી પાછા ફરે તેની રાહ જોઈ શકે નહીં, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તેમને પકડીને પરત લાવવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ 2024ના રોજ સત્તા પરથી હટાવાયા બાદ, ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ દ્વારા માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપસર તેમની ગેરહાજરીમાં જ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે એન્ટિ-ટેરરિઝમ કાયદા હેઠળ શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેના પગલે ફેબ્રુઆરી 2026ની સામાન્ય ચૂંટણીઓમાં પક્ષને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
એક અહેવાલ મુજબ જાહેદ ઉર રહેમાને સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણની માગણી એ માત્ર ભારત સરકાર પર દબાણ બનાવવાની કોઈ રાજદ્વારી યુક્તિ નથી. બાંગ્લાદેશ સરકારે આ મામલો સત્તાવાર રીતે ભારત સમક્ષ ઉઠાવ્યો છે અને તેઓ હસીનાની ધરપકડ કરીને તેમને સજા આપવા માટે મક્કમ છે. બીજી તરફ શેખ હસીનાએ ડિસેમ્બર 2026માં બાંગ્લાદેશ પરત ફરી અદાલત સમક્ષ આત્મસમર્પણ કરવાની પૂર્વ જાહેરાત કરેલી છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
