News of Sunday, 6th September 2026
ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં ભૂલોનો ઢગલોઃ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રની નેટ પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય કર્યો
અંગ્રેજી અને વાણિજ્યની નવ સપ્ટેમ્બરે, સમાજશાસ્ત્રની દસ સપ્ટેમ્બરે પુનઃપરીક્ષાઃ ઉમેદવારો પાસેથી કોઈ વધારાનો પરીક્ષા ખર્ચ નહીં લેવાય: તથ્ય, ભાષાંતર અને જોડણીની ગંભીર ભૂલો સામે વિદ્યાર્થીઓમાં રોષઃ અંગ્રેજીની પુનઃપરીક્ષાનો નિર્ણય દિલ્હી વડી અદાલતમાં પડકારાયો પણ છે

નવી દિલ્હી: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ જૂન, ૨૦૨૬ની યુજીસી-નેટ પરીક્ષાના અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્ર વિષયોના પ્રશ્નપત્રોમાં મોટી સંખ્યામાં ભૂલો મળ્યા બાદ ત્રણેય પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય કર્યો છે. અંગ્રેજી અને વાણિજ્યની પુનઃપરીક્ષા તા. ૯ સપ્ટેમ્બરે તથા સમાજશાસ્ત્રની પરીક્ષા તા. ૧૦ સપ્ટેમ્બરે યોજાશે. ઉમેદવારો પાસેથી કોઈ વધારાનું પરીક્ષા શુલ્ક લેવામાં આવશે નહીં.
એજન્સીને મળેલી ફરિયાદોની તપાસ માટે રચાયેલી સમિતિએ પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક, જોડણી, ભાષાંતર અને મુદ્રણની ભૂલો શોધી હતી. જાણીતા વિદ્વાનોના નામ ખોટા લખાયા હતા, પુસ્તકોનાં શીર્ષકો ગૂંચવાયાં હતાં તથા કેટલાક પ્રશ્નોની રચના અસ્પષ્ટ હતી. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ફરી આવ્યાની ફરિયાદ પણ થઈ હતી. ભૂલવાળા થોડા પ્રશ્નો રદ કરીને પરિણામ જાહેર કરવું પૂરતું નહીં રહે અને ઉમેદવારોને સમાન તક આપવા નવી પરીક્ષા જરૂરી હોવાનું સમિતિએ માન્યું હતું.
જૂન મહિનામાં તા. ૨૨થી ૩૦ દરમિયાન કુલ ૮૭ વિષયોની નેટ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા જુનિયર સંશોધન ફેલોશિપ, સહાયક પ્રાધ્યાપકની પાત્રતા અને પીએચડી પ્રવેશ માટે મહત્વપૂર્ણ છે. અંગ્રેજીની સમગ્ર પરીક્ષા ફરી લેવાના નિર્ણયને એક ઉમેદવારે દિલ્હી વડી અદાલતમાં પડકાર્યો છે. અરજીમાં તમામ ઉમેદવારોને દંડિત કરવા સમાન પુનઃપરીક્ષા મનસ્વી હોવાનો દાવો કરાયો છે. અદાલતે કેન્દ્ર અને પરીક્ષા એજન્સીને જવાબ આપવા સૂચના આપી છે. જોકે હાલ પુનઃપરીક્ષાના જાહેર કરાયેલા કાર્યક્રમ ઉપર કોઈ રોક નથી અને ઉમેદવારોએ નવા પ્રવેશપત્ર પ્રમાણે પરીક્ષામાં હાજર રહેવું પડશે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
