News of Saturday, 23rd May 2026
મધ્યપ્રદેશમાં કાળજું કંપાવતી દુર્ઘટના: બહારથી બંધ કાચા મકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, માતા-પિતાની ગેરહાજરીમાં ૩ માસૂમ ભાઈ-બહેનો જીવતા ભૂંજાયા!
સીધી જિલ્લાના કાશીહવા ગામમાં વીજળીના વાયરમાં સ્પાર્કિંગ થતાં આખું ઘર આગની લપેટમાં આવ્યું; અરેરાટીભરી ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોક

સીધી (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના સીધી જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જિલ્લાના જમોડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાશીહવા ગામમાં શનિવારે બપોરે એક ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના ઘરમાં લાગેલી ભીષણ આગમાં જીવતા સળગી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર ગામ સ્તબ્ધ થઈ ગયું છે અને પીડિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મળતી વિગતો મુજબ, આ હૃદયદ્રાવક અકસ્માત શનિવારે બપોરે આશરે ૧ વાગ્યાની આસપાસ સર્જાયો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કાચા મકાનની ઉપરથી પસાર થતા વીજળીના હાઈટેન્શન વાયરમાં અચાનક જોરદાર સ્પાર્કિંગ (શોર્ટ સર્કિટ) થયું હતું. આ સ્પાર્કિંગના કારણે ઘરની નજીક રાખવામાં આવેલા સૂકા વાંસના ઢગલામાં તણખો પડતા આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ પવનના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા કાચા મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું.
બહારથી તાળું હોવાના કારણે માસૂમો બહાર ન નીકળી શક્યા
આ દુર્ઘટના બની ત્યારે સૌથી મોટી કમનસીબી એ હતી કે ઘર બહારથી બંધ હતું. બાળકોના પિતા રામરતન સાકેત રોજગારી મેળવવા માટે બહાર શહેરમાં મજૂરીકામ અર્થે ગયા હતા, જ્યારે તેમની માતા ઘર નજીક જ સરકારી ડેપો પર રેશન (અનાજ) લેવા માટે ગઈ હતી. માતા બહારથી દરવાજો બંધ કરીને ગઈ હોવાથી અંદર હાજર ત્રણેય માસૂમ બાળકો આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાઈ ગયા હતા અને લાચાર બનીને બહાર નીકળી શક્યા ન હતા.
આ ભયાનક અગ્નિકાંડમાં દોઢ વર્ષની માસૂમ બાળકી રિદ્ધિ સાકેત, ૬ વર્ષની ધુમ્મુ ઉર્ફે સંધ્યા સાકેત અને ૩ વર્ષના અન્ય એક બાળકે તડપી તડપીને ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા હતા. આસપાસના લોકો જ્યારે પ્રચંડ આગ જોઈને દોડી આવ્યા અને ઘરનો દરવાજો તોડ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
ઘટનાની જાણ થતાં જ જમોડી પોલીસ કાફલો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરુણાંતિકાને પગલે કાશીહવા ગામમાં ચૂલા પણ સળગ્યા નથી અને ચારેય તરફ માતમ છવાઈ ગયો છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
