News of Thursday, 29th October 2026
પાકિસ્તાનમાં કાળજુ કંપાવનારી દુર્ઘટના : દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ : પ્રસૂતા સહિત ૧૦ લોકો જીવતા ભૂંજાયા
સિંધના થરપારકરમાં નવજાત બાળકને જન્મ આપનાર માતાની તબિયત લથડતાં હોસ્પિટલ લઈ જવાતી વખતે માર્ગમાં જ વિસ્ફોટ થયો : ભીષણ આગમાં એમ્બ્યુલન્સ ખાખ

કરાચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી એક અત્યંત કરુણ અને કાળજુ કંપાવી દે તેવી ગોઝારી ઘટના સામે આવી છે, જ્યાં થરપારકર જિલ્લાના નગરપારકર વિસ્તારમાં એક ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. તાજેતરમાં જ બાળકને જન્મ આપનાર એક મહિલાની તબિયત અચાનક લથડતાં તેને તાત્કાલિક દાનો ધાંધલના બેઝિક હેલ્થ સેન્ટરથી મીઠી શહેરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન રસ્તામાં જ કાળનો પંજો ત્રાટક્યો હતો અને એમ્બ્યુલન્સમાં જબ્બર વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક જ ક્ષણમાં એક મહિલા સહિત કુલ ૧૦ લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યા હતા.
થરપારકરના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) આરિફ અઝીઝ જાફરીએ આ ગોઝારા અકસ્માતની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ઘટના એટલી ભયાનક હતી કે વાહનમાં સવાર લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. પ્રાથમિક વિગતો મુજબ, હોસ્પિટલ પહોંચતા પહેલા જ્યારે એમ્બ્યુલન્સ ડ્રાઈવર વાહનની અંદર જ ઓક્સિજન સિલિન્ડરની સ્થિતિ સરખી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે કથિત રીતે આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જોકે, વિસ્ફોટ થવાનું ચોક્કસ ટેકનિકલ કારણ અને સિલિન્ડરમાં કોઈ લીકેજ કે ખામી હતી કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
આ કાળજું ધ્રૂજાવી દેતી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ગમગીની છવાઈ ગઈ છે. સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ વડાએ ખાતરી આપી છે કે આ અકસ્માત પાછળ કોઈ ગુનાહિત બેદરકારી, વાહનની ખામી કે જાળવણીનો અભાવ જવાબદાર હતો કે કેમ તે તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. તપાસ અહેવાલ આવ્યા બાદ જ આ કરુણ દુર્ઘટનાના સાચા સંજોગો પરથી પડદો ઊંચકાશે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
