News of Wednesday, 22nd April 2026
દિલ્હીમાં હૃદયદ્રાવક હેવાનિયત: કૈલાશ હિલ્સમાં IRS અધિકારીની પુત્રી પર બળાત્કાર બાદ ચાર્જરના કેબલથી ગળું દબાવી હત્યા, પૂર્વ નોકર પર શંકાની સોય
UPSC ની તૈયારી કરતી ૨૨ વર્ષીય યુવતીને ઘરમાં એકલી જોઈ નરાધમે આચર્યું પાપ: જીમમાં ગયેલા માતા-પિતા ઘરે પરત ફર્યા ત્યારે પુત્રીની લાશ જોઈ સ્તબ્ધ, આરોપીને પકડવા દિલ્હી પોલીસની અનેક ટીમો મેદાનમાં

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર લોહીલુહાણ થઈ છે. દક્ષિણ-પૂર્વ દિલ્હીના અત્યંત સુરક્ષિત ગણાતા કૈલાશ હિલ્સ વિસ્તારમાં એક ૨૨ વર્ષીય યુવતી સાથે થયેલી ક્રૂરતાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક વરિષ્ઠ ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારીની પુત્રી પર તેના જ ઘરમાં બળાત્કાર ગુજારીને તેની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતીના માતા-પિતા સવારે જીમમાં ગયા હતા.
તક જોઈને ત્રાટક્યો હેવાન
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પરીક્ષાની તૈયારી કરી રહેલી આ તેજસ્વી યુવતી બુધવારે સવારે ઘરે એકલી હતી. પોલીસની પ્રારંભિક તપાસ મુજબ, આરોપી વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ ઘરમાં ઘૂસ્યો હતો. તેણે યુવતી પર હુમલો કરી તેના પર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. હેવાનિયતની હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે યુવતીના ચહેરા અને માથા પર લાકડીથી ફટકા માર્યા અને અંતે મોબાઈલ ફોનના ચાર્જિંગ કેબલથી તેનું ગળું દબાવીને તેની જીવનલીલા સંકેલી દીધી.
ઘરના જ પૂર્વ નોકર પર છે આશંકા
આ જઘન્ય અપરાધમાં પરિવાર સાથે ૮ મહિના સુધી કામ કરી ચૂકેલા ૧૯ વર્ષીય રાહુલ મીના પર પોલીસને પ્રબળ શંકા છે. રાહુલને એક મહિના પહેલા જ બિલમાં ગેરરીતિ કરવા બદલ નોકરીમાંથી કાઢી મુકાયો હતો. તે પરિવારની દિનચર્યાથી વાકેફ હતો અને તેને ખબર હતી કે કયા સમયે યુવતી ઘરે એકલી હોય છે. ઘટના બાદથી રાહુલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.
પોલીસની તપાસ તેજ
દિલ્હી પોલીસે આ મામલે હત્યા અને બળાત્કારનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. પોલીસે પૂછપરછ માટે એક કાર ક્લીનર અને પડોશના એક નોકરને અટકાયતમાં લીધા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આરોપીને પકડવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે અને ફોરેન્સિક પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે.”
રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ
આ હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસને કારણે કૈલાશ હિલ્સ જેવા પોશ વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ હાઈ-પ્રોફાઈલ સોસાયટીઓમાં સુરક્ષા વ્યવસ્થા અને નોકરોની ચકાસણી (Verification) અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
પોલીસ હવે રાહુલ મીનાને પકડવા માટે તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. એક આશાસ્પદ યુવતીના કરુણ અંતે દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
