News of Friday, 4th September 2026
નેપાળમાં જળપ્રલય વચ્ચે કાળજું કંપાવનારી સ્થિતિ: પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક ૧,૨૯૫ પહોંચ્યો : ૨૭૫ ભારતીય નાગરિકો હજુ પણ લાપતા
ભારત સરકાર દ્વારા રાહત સામગ્રી સાથે મોકલાયા ૯૫ ટન પુરવઠો અને તબીબી નિષ્ણાતો: ૯ દિવસ બાદ ટનલમાંથી ૨ લોકોને જીવતા બહાર કઢાયા : ૫,૦૦૦થી વધુ લોકોની શોધખોળ જારી

નવી દિલ્હી: નેપાળમાં આવેલા અતિ ભયાનક પૂર અને ભૂસ્ખલનના કારણે કુદરતી હોનારતની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહાવિનાશક પૂરના કારણે ૨૭૫ ભારતીય નાગરિકો હજુ પણ ગુમ છે. ભારત સરકાર નેપાળી સત્તાવાળાઓ, ભારતીય રાજદૂતાવાસ અને સંબંધિત રાજ્ય સરકારોના સતત સંપર્કમાં રહીને શોધખોળ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં ૧૬૬ ભારતીય નાગરિકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ચીનથી નેપાળ પહોંચેલા ૧,૯૦૭ ભારતીય નાગરિકોમાંથી તિબેટ વિસ્તારમાં કોઈ ભારતીય પ્રવાસી ફસાયેલા નથી.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત એક સદભાવના ધરાવતા પાડોશી દેશ તરીકે નેપાળની મદદે આવ્યું છે. અત્યાર સુધીમાં ૭ ભારતીય વિમાનો દ્વારા આશરે ૯૫ ટન રાહત સામગ્રી, જેમાં બેઇલી બ્રિજ, ફોરેન્સિક કિટ્સ અને અન્ય જરૂરી સાધનોનો સમાવેશ થાય છે તે કાઠમંડુ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતે રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે ૫૪ તજજ્ઞોની ટીમ મોકલી છે, જેમાં ૩૦ ટનલ બચાવ નિષ્ણાતો, ૧૯ ફોરેન્સિક ક્ષેત્રના નિષ્ણાતો અને ૫ સભ્યોની મેડિકલ ટીમનો સમાવેશ થાય છે. આ ટીમો નેપાળી સુરક્ષા દળો સાથે મળીને સ્થળ પર રાહત કામગીરી કરી રહી છે.
બીજી તરફ, નેપાળના ૮થી વધુ જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલનના લીધે મળેલા વધુ મૃતદેહો સાથે કુલ મૃત્યુઆંક ૧,૨૯૫ થયો છે. ચિત્વનમાંથી ૩૫૯, નવલપરાસી પૂર્વમાંથી ૨૨૧, નવલપરાસી પશ્ચિમમાંથી ૨૧૨ અને નુવાકોટમાંથી ૧૮૬ મૃતદેહો મળી આવ્યા છે. આ હોનારત વચ્ચે એક આશ્ચર્યજનક ઘટનામાં ત્રિશુલી ૩A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં સતત ૯ દિવસથી ફસાયેલા બે કર્મચારીઓ (કબીર મહાજન અને સંજય સાહા) ને નેપાળી સેનાએ જીવતા બચાવી લીધા છે. હાલ સેના અને સુરક્ષા દળો દ્વારા ગુમ થયેલા આશરે ૫,૦૦૦ જેટલા સ્થાનિક લોકો માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં આશરે ૧૩,૦૯૩ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
