News of Monday, 9th November 2026
દિવાળીની ખુશીઓ વચ્ચે હૃદયદ્રાવક દુર્ઘટના : હરિયાણાથી હરિદ્વાર જતી કાર ડિવાઇડર અને વીજપોલ સાથે અથડાઈ અગનગોળો બની; બાળક અને મહિલા સહિત છ વ્યક્તિઓનાં જીવતાં ભૂંજાઈ જવાથી કરુણ મૃત્યુ: સીએનજી કારમાં ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી : બહાર નીકળવાની તક પણ ન મળી

મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં સવાર છ વ્યક્તિઓનાં કરુણ મૃત્યુ થયાં છે. હરિયાણાથી હરિદ્વાર તરફ જઈ રહેલી કાર ડિવાઇડર અને રસ્તા ઉપરના વીજપોલ સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. અકસ્માત પછી કારમાં ભીષણ આગ લાગતાં અંદર બેઠેલા મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.
પાણીપત-ખટીમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર તિતાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જગાહેડી નજીક આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, હરિયાણાના જીંદ જિલ્લાના કેટલાક લોકો કારમાં બેસીને હરિદ્વાર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક બેકાબૂ બની હતી અને રસ્તાના ડિવાઇડર તથા વીજપોલ સાથે જોરદાર અથડાઈ હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે કાર પલટી ગઈ અને ગણતરીની પળોમાં આગની જ્વાળાઓએ સમગ્ર વાહનને ઘેરી લીધું હતું. કારમાં સીએનજી કિટ લગાવેલી હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે.
અકસ્મતના પગલે હાઈવે ઉપર પસાર થતા વાહનચાલકોમાં નાસભાગ મચી હતી. લોકોએ પોલીસ અને અગ્નિશમન વિભાગને જાણ કરી હતી. જોકે આગ અત્યંત વિકરાળ હોવાથી મુસાફરોને બચાવી શકાયા નહોતા.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ કારમાંથી છ વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં આશરે ૧૦થી ૧૨ વર્ષનું બાળક અને એક મહિલાનો સમાવેશ થતો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
