News of Sunday, 21st June 2026
યુરોપમાં હીટવેવનો હાહાકાર: ફ્રાન્સમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ, રેડ એલર્ટથી જનજીવન અસ્તવ્યસ્ત
૪૧ ડિગ્રી તાપમાનની આગાહીને પગલે તંત્ર સક્રિય: પેરિસમાં પાર્ક ૨૪ કલાક ખુલ્લા, સ્પેન અને ઇટાલીમાં પણ સ્થિતિ ગંભીર

પેરિસ : યુરોપના અનેક દેશો હાલમાં ભીષણ ગરમી અને હીટવેવની ઝપેટમાં આવી ગયા છે, જેમાં ફ્રાન્સના ૩૫ વિસ્તારોમાં તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકાએ સરકારે 'રેડ હીટવેવ એલર્ટ' જાહેર કર્યું છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ફ્રાન્સ સરકારે રવિવારે યોજાનારા 'ફેતે ડે લા મ્યુઝિક ફેસ્ટિવલ' દરમિયાન જાહેર સ્થળો પર દારૂના સેવન પર કડક પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી હીટસ્ટ્રોક જેવી સ્થિતિને ટાળી શકાય.
હીટવેવની અસરો માત્ર ફ્રાન્સ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર યુરોપને તેની અસર થઈ રહી છે. જર્મનીમાં તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ પહોંચતા હીટ એલર્ટ અપાયું છે, જ્યારે સ્પેનમાં ફેન ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે. ઈટાલીના રોમમાં પણ પ્રવાસીઓ માટે સ્થિતિ મુશ્કેલ બની છે, જ્યાં લોકો પ્રાચીન ઈમારતોના ભોંયરામાં આશરો લેવા મજબૂર બન્યા છે. પેરિસમાં પ્રશાસને લોકોને ગરમીથી બચાવવા માટે તમામ જાહેર બગીચાઓ ૨૪ કલાક ખુલ્લા રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂએ ઈમરજન્સી બેઠક બોલાવીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાં ભેજનું પ્રમાણ અને અસહ્ય ગરમીને લીધે આગામી સમયમાં કેટલાક ભાગોમાં ભારે તોફાન આવવાની શક્યતા પણ છે. સરકારી તંત્ર દ્વારા વૃદ્ધો અને બીમાર લોકોને વિશેષ કાળજી રાખવા અને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.
યુરોપમાં આવી ગંભીર હીટવેવની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે, પરંતુ આ વર્ષે તાપમાનનો પારો જૂના તમામ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. હાલની સ્થિતિ જોતા પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. આગામી દિવસોમાં ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર દ્વારા હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી સુવિધા વધારવામાં આવી છે, જેથી વધતી જતી ગરમીને કારણે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળી રહે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
