News of Friday, 15th May 2026
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર:આગામી 4 થી 5 દિવસમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે
દક્ષિણ અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે વરસાદની પ્રબળ સંભાવના

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલુ સપ્તાહ દરમિયાન પૂર્વોત્તર ભારત સહિત દક્ષિણ અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે વરસાદની પ્રબળ સંભાવના છે. એક તરફ જ્યાં દેશના કેટલાક ભાગો ભીષણ ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે એક મોટું અપડેટ આપ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 થી 5 દિવસમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટકમાં ભારે પવન સાથે ભારે કમોસમી વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારો જેવા કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ તેજ પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા પહાડી રાજ્યોમાં પણ આગામી બે દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
બીજી તરફ દક્ષિણ ભારતમાં ચોમાસાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. IMD અનુસાર, 16 મે 2026 (શનિવાર)ની આસપાસ દક્ષિણ બંગાળની ખાડી, અંડમાન સાગર અને અંડમાન-નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ સંપૂર્ણપણે સાનુકૂળ બની રહી છે. સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો મજબૂત થવાને કારણે વાદળો બંધાવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. આ સંકેતો દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું પોતાના નિર્ધારિત સમય પર અથવા તો સમય કરતાં વહેલું આગળ વધી શકે છે, જેનાથી આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
