તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
બેસમેન્ટમાં છુપાઈ જાવ, AC-બારીઓ બંધ રાખોઃ પરમાણુ હુમલાને લઈ ઈરાને જાહેર કરી એડવાઈઝરી
બ્લાસ્ટની તેજ રોશની જરાં પણ જોશો નહીં. જો તમે ખુલ્લામાં છો તો કોઈ મજબૂત દીવાલ અથવા ટેકાની પાછળ છુપાઈ જાવ : ઈરાનની ગાઈડલાઈનમાં રેડિએશનથી બચવા માટે ઉપયોગ થનારી અમુક દવાઓનો પણ ઉલ્લેખ કર્યો

તહેરાન,તા.૪: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાન વિરુદ્ધ નવેસરથી હુમલાની ધમકીઓ આપી રહ્યા છે. આ હુમલાનો ખતરો જોતા ઈરાને પોતાના નાગરિકો માટે ખાસ એલર્ટ જાહેર કરી દીધું છે. ઈરાનના સરકારી ટેલીવિઝન અને સમાચાર એજન્સીઓએ જાહેર કરેલી ખાસ એડવાઈઝરીમાં જણાવ્યું છે કે જો દેશ પર પરમાણુ હુમલો થાય છે તો લોકોને ક્યાં આશરો લેવો જોઈએ, રેડિયોએક્ટિવ ધૂળથી કેવી રીતે બચવું અને બ્લાસ્ટ બાદ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો અસુરક્ષિત થઈ શકે છે. લગભગ આઠ મિનિટના આ વીડિયો દ્વારા લોકોને એ સમજાવ્યું કે જો કોઈ વ્યક્તિ બ્લાસ્ટના સમયે ખુલ્લામાં ફસાઈ જાય તો તેને શું કરવું જોઈએ.
આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે બ્લાસ્ટની તેજ રોશની જરાં પણ જોશો નહીં. જો તમે ખુલ્લામાં છો તો કોઈ મજબૂત દીવાલ અથવા ટેકાની પાછળ છુપાઈ જાવ. જમીન પર સૂઈ જાવ અને પોતાનું માથું અને ચહેરાને ઢાંકી લો. વળી બ્લાસ્ટની લહેર પસાર થયા બાદ તરત નજીકની ઈમારતમાં જતા રહો. બારી અને બહારની દીવાલોથી દૂર રહો. શક્ય હોય તો બેસમેન્ટ અથવા ઈમારતની વચ્ચેવાળા ભાગમાં રહો. દરવાજા બારી બંધ રાખો અને બહારથી હવા ખેંચનારા એસી અને વેન્ટીલેશન સિસ્ટમ બંધ રાખો.
એડવાઈઝરીમાં રેડિએશનના ખતરાથી બચવા માટે બહાર પહેરેલા કપડાંને સાવધાનીપૂર્વક ઉતારી સીલબંધ બેગમાં રાખવા અને સાબુ પાણીથી નહાવાની સલાહ પણ આપી છે. લોકોને કહેવાયું છે કે બોટલબંધ પાણી અને પેક્ડ ભોજન ખાવાનું રાખો અને કમસે કમ ૨૪ કલાક શેલ્ટરમાં રહેવાની તૈયારીમાં રાખો.
ઈરાનની ગાઈડલાઈનમાં રેડિએશનથી બચવા માટે ઉપયોગ થનારી અમુક દવાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. જો કે અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડોક્ટરની સલાહ વિના આયોડીનની ગોળીઓ ન ખાવી જોઈએ.
ઈસ્ફહાનની પ્રી-હોસ્પિટલ ઈમરજન્સી સર્વિસેઝના પ્રવક્તા અબ્બાસ આબેદી અનુસાર, અમુક ખાસ પરિસ્થિતિઓમાં સ્ટેબલ આયોડીન થાયરોઈડ ગ્રંથીમાં રેડિયોએક્ટિવ આયોડીનના અવશોષણને ઓછું કરી શકે છે. પણ આ પરમાણું વિસ્ફોટથી નીકળનારા બીજા રેડિયોએક્ટિવ પદાર્થો અથવા તમામ પ્રકારના વિકિરણથઈ સુરક્ષા નથી આપતા.
વીડિયોમાં પ્રશિયન બ્લૂ નામની દવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેનો ઉપયોગ અમુક ખાસ કિસ્સામાં શરીરની અંદર રેડિયોએક્ટિવ સીઝિયમ-૧૩૭ના સંક્રમણની સારવાર માટે થાય છે. એટલે કે આ દવાઓ સામાન્ય સુરક્ષા ઉપાય નથી અને તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ પર જ કરવો જોઈએ.
ઈરાનની આ ગાઈડલાઈનનો સમય ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. આ વીડિયો ઈસ્ફહાન પ્રાંતની ઈમરજન્સી સેવાઓની અંદરથી જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રાંતમાં નતાંઝ પરમાણુ કેન્દ્ર પણ આવેલું છે. તે ઉપરાંત નતાંઝ નજીક પહાડની અંદર ઊંડાણમાં બનેલા પરમાણુ સંબંધિત ઠેકાણા પિકેક્સ માઉંટેનને લઈ પણ ચર્ચાઓ ચાલી રહી છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
