<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ઓસાકા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હાઇ-લેવલ રાઉન્ડટેબલ બેઠક સંપન્ન : જાપાનીઝ રોકાણકારોને ગુજરાતમાં વ્યાપક રોકાણ માટે વિશેષ નિમંત્રણ

'જાપાન ઊગતા સૂર્યનો દેશ છે અને ગુજરાત ઊગતી તકોની ભૂમિ છે' તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત એટલે સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી હોવાનો દાવો કર્યો

ઓસાકા, જાપાન : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉપક્રમે જાપાનના પ્રવાસે ગયેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ઓસાકા ખાતે અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે એક ઉચ્ચ સ્તરીય 'ઇન્વેસ્ટ ઇન ગુજરાત' રાઉન્ડટેબલ બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને વધુ સુદ્રઢ કરવાના હેતુથી આ બેઠક અત્યંત ફળદાયી રહી હતી.

ગુજરાતની આર્થિક ક્ષમતા અને ઔદ્યોગિક સક્ષમતા:
વૈશ્વિક ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાત વતી સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જાપાન ઊગતા સૂર્યનો દેશ છે અને ગુજરાત ઊગતી તકોની ભૂમિ છે. બંને દેશોની મિત્રતા સદીઓ જૂની છે અને પરસ્પર વિશ્વાસ તથા સહિયારી સંસ્કૃતિ પર આધારિત છે.

ગુજરાતના વિકાસના પ્રભાવક આંકડા રજૂ કરતા તેમણે ઉમેર્યું હતું કે દેશની માત્ર ૫ ટકા વસ્તી ધરાવતું ગુજરાત ભારતના જીડીપીમાં ૮ ટકાથી વધુનું યોગદાન આપે છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા હિસ્સો ધરાવતું આ રાજ્ય ભારતની કુલ નિકાસમાંથી આશરે એક તૃતીયાંશ નિકાસ કરે છે. આ ઉપરાંત ભારતના કુલ કાર્ગો હેન્ડલિંગનો ૪૦ ટકા હિસ્સો ગુજરાતના બંદરો દ્વારા સંચાલિત થાય છે અને રાજ્યની ૬૫ ટકા ઊર્જા રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગુજરાત એટલે 'સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી' જ્યાં નિર્ણયો અત્યંત ઝડપથી લેવાય છે.

ભવિષ્યના ફ્યુચરિસ્ટિક સેક્ટર્સમાં રોકાણ માટે આહવાન:
સુઝુકી મોટર્સ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને જાપાનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે જાપાન ગુજરાતમાં પહેલેથી જ પોતાના ઘર જેવો માહોલ અનુભવે છે. સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવા જાપાનીઝ ઉદ્યોગપતિઓને આહવાન કરતા તેમણે જણાવ્યું કે જાપાન પાસે અત્યાધુનિક ટેકનોલોજી છે અને ગુજરાત પાસે શ્રેષ્ઠ ટેલેન્ટ છે, જેઓ સાથે મળીને વૈશ્વિક સ્તરે નેતૃત્વ પૂરું પાડી શકે છે. તેમણે તમામ રોકાણકારોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.

ઉચ્ચ સ્તરીય ઉપસ્થિતિ અને બેઠકો:
આ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ડાઇકી એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર કાઝુશી ગોટો, કન્સાઈ જાપાન-ઈન્ડિયા એસોસિએશના સેક્રેટરી જનરલ સુસુમુ સાઇટો, નાકાનિશિ મેટલ વર્ક્સના ઓપરેટિંગ ઓફિસર કેઇટા ઇટો, પેનાસોનિક એનર્જીના ડાયરેક્ટર દાઈસુકે તાકાહાશી, નોબુટો નાકાનિશિ તેમજ હિગાશિયોસાકાના મેયર યોશિકાઝુ નોડા અને આશિયા સિટીના મેયર ર્યોસુકે તાકાશિમા સહિત જાપાન સરકારના પ્રતિનિધિઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઓસાકા ખાતેના આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ ૧ હાઇ-લેવલ રાઉન્ડટેબલ કોન્ફરન્સ ઉપરાંત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે ૧૧ મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં મોટા પાયે રોકાણ લાવવા અંગે સઘન ચર્ચાઓ કરી હતી.

(11:56 AM IST)