<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

યુટ્યુબર અજિત ભારતી કેસમાં હાઈકોર્ટમાં હાઇવોલ્ટેજ ડ્રામા: ન્યાયાધીશનો પારો સાતમાં આસમાને પહોંચતા વકીલે કહ્યું, "માય લૉર્ડ, હું કેસ છોડવા તૈયાર છું!"

સાંસદ ચંદ્રશેખર આઝાદ વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરવાના મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વીડિયોની ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરવા પર ન્યાયાધીશે ભારે નારાજગી વ્યક્ત કરી, જેનાથી કોર્ટરૂમમાં અફરાતફરી મચી ગઈ.

નવી દિલ્હી : લોકપ્રિય યુટ્યુબર અને પત્રકાર અજિત ભારતી સામે એસસી/એસટી એક્ટ (SC/ST Act) હેઠળ દાખલ કરવામાં આવેલા કેસમાં આગોતરા જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન બુધવારે અદાલતમાં એક અત્યંત નાટકીય અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે કોર્ટે વીડિયોની ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરવાના મુદ્દે અજિત ભારતીના વકીલ પર આકરો રોષ વ્યક્ત કર્યો હતો. મામલો એટલો વણસ્યો કે વકીલે ખુદ કેસમાંથી હટી જવાની પેરવી કરવી પડી હતી.

 

સાંસદ ચંદ્રશેખર આઝાદ વિરુદ્ધ કથિત જાતિવાદી ટિપ્પણી કરવા બદલ અજિત ભારતી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. બુધવારે સુનાવણી હાથ ધરતી વખતે જસ્ટિસ સૌરભ બેનર્જીએ કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે ભારતીએ આવી ટિપ્પણીઓ કરતી વખતે અત્યંત સાવચેત રહેવું જોઈતું હતું. સાથે જ કોર્ટે દિલ્હી પોલીસને પણ ખખડાવતા સવાલ કર્યો હતો કે હજુ સુધી આ મામલે કોઈ નોટિસ કેમ મોકલવામાં આવી નથી? પોલીસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તપાસ અધિકારીને થોડા દિવસો પહેલા જ સરનામું મળ્યું હોવાથી નોટિસ બજાવી શકાઈ નથી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિવાદિત વીડિયોમાં વપરાયેલા શબ્દો અત્યંત અપમાનજનક છે.

 

જ્યારે કોર્ટરૂમમાં વકીલે કેસ છોડવાની કરી વાત

સુનાવણી દરમિયાન જ્યારે અજિત ભારતીના વકીલ જય અનંત દેહદરાયે ન્યાયાધીશ સમક્ષ રેકોર્ડનો ભાગ ગણાતી વીડિયોની ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જસ્ટિસ બેનર્જીનો પારો ઊંચો આવી ગયો હતો. ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "તમે આવા શબ્દો કોર્ટમાં રજૂ કરી જ ન શકો! હું તમારી સામે અવમાનનાની નોટિસ જારી કરી શકું છું. વકીલ તરીકે તમારે આ બાબતમાં સાવચેત રહેવું જોઈએ."

 

ન્યાયાધીશની આકરી પ્રતિક્રિયાથી ઘૂબરાયેલા વકીલ દેહદરાયે હાથ જોડીને માફી માંગી હતી અને કહ્યું હતું કે જો તેમની રજૂઆતથી કોઈ સમસ્યા હોય તો તેઓ આ કેસમાંથી પોતાને અલગ કરવા અને કેસ છોડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર કોર્ટને મદદ કરવા માંગતા હતા. જો કે, બાદમાં ન્યાયાધીશે મામલો થાળે પાડતા વકીલને વિવાદને આગળ ન વધારવા અને માત્ર ગુણદોષના આધારે દલીલો ચાલુ રાખવા જણાવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય હાલ અનામત રાખ્યો છે.

 

 

(7:22 PM IST)