તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 23rd May 2026
ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ-વોલ્ટેજ ડ્રામા: તીન વિઘા કોરિડોર નજીક તારબંધીના કામ પર બાંગ્લાદેશી સેનાનો ભારે હોબાળો, સીમા પર સંગ્રામ જેવી સ્થિતિ વચ્ચે BSFએ સંભાળ્યો મોરચો!
૧૦૫ એકર જમીન પર ફેન્સિંગની માપણી શરૂ થતાં જ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) આડેધડ આડખીલી ઊભી કરી; બંને દેશોના સૈન્ય વચ્ચે તાબડતોબ ફ્લેગ મીટિંગ યોજાઈ, સરહદી ગામોમાં ભારે રોષ

મેખલીગંજ: ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરી એકવાર સશસ્ત્ર દળો વચ્ચે ભારે તણાવ અને આમને-સામનેની સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લામાં આવેલા ઐતિહાસિક તીન વિઘા કોરિડોર (Teen Bigha Corridor) નજીકના દહગ્રામ-અંગારપોટા સરહદી વિસ્તારમાં કાંટાળી તારની વાડ (Fencing) લગાવવાની કવાયત દરમિયાન ઓચિંતી જ સ્થિતિ વિસ્ફોટક બની ગઈ હતી. ભારત તરફથી સરહદી સુરક્ષા મજબૂત કરવા માટે જમીનની માપણી શરૂ કરાતા જ બાંગ્લાદેશની સરહદી સેના 'બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ' (BGB) અને ત્યાંના સ્થાનિક નાગરિકોએ ધાંધલધમાલ મચાવીને કામ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે સીમા પર યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો.
સૂત્રો પાસેથી મળતી સત્તાવાર વિગત મુજબ, મેખલીગંજ બ્લોકના કેટલાક સરહદી વિસ્તારો હજી પણ ખુલ્લા (Unfenced) હોવાથી ત્યાંથી થતી ઘૂસણખોરી અને તસ્કરી અટકાવવા માટે તારબંધી પૂરી કરવી અનિવાર્ય છે. આ પ્રોજેક્ટ માટે આશરે ૧૦૫ એકર જમીનના અધિગ્રહણની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાંની ૮૦ એકર જમીન ભારતની અંદર આવેલા બાંગ્લાદેશી છિટમહલ વિસ્તારમાં પડે છે. શુક્રવારે જ્યારે ભારતના જમીન અને જમીન સુધાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક જમીન માલિકોની હાજરીમાં વિધિવત માપણી કરી રહ્યા હતા, ત્યારે જ બાંગ્લાદેશી સૈનિકોએ સરહદ ઓળંગીને ભારતીય પ્રશાસનને ધમકાવવાનો અને કામ અટકાવવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો.
બંને દેશના સૈન્ય વડાઓ વચ્ચે ફ્લેગ મીટિંગ; BSFના સંયમે મોટી હોનારત ટાળી:
સ્થિતિ વણસતી જોઈને સરહદની રક્ષા કરતી સીમા સુરક્ષા બળ (BSF)ની ૧૭૪મી બટાલિયન તુરંત એક્શનમાં આવી ગઈ હતી. BSFના કમાન્ડિંગ ઓફિસર વિનોદ સિંહ અને BGB તરફથી કમાન્ડર નાજિયુર રહેમાન વચ્ચે સરહદ પર જ તાબડતોબ હાઈ-લેવલ ફ્લેગ મીટિંગ (પ્લે મીટિંગ) યોજવામાં આવી હતી. બાંગ્લાદેશ તરફથી ઉશ્કેરણીજનક હિલચાલ છતાં BSFના જવાનોએ અત્યંત ધૈર્ય, સંયમ અને મુત્સદ્દીગીરીથી કામ લઈને મામલો શાંત પાડ્યો હતો, નહિતર બંને સેનાઓ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ નક્કી હતો.
સ્થાનિક ભારતીયોમાં આક્રોશ; ધારાસભ્યે લીધી મુલાકાત
બાંગ્લાદેશી સેનાની આ દાદાગીરી સામે સરહદી ગામડાના ભારતીય રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક ગ્રામજનો વિષ્ણુપદ રાય અને જયનાથ રાયે રોષે ભરાઈને જણાવ્યું કે, "અમારી પોતાની ભારતીય જમીન પર વિકાસ અને સુરક્ષાનું કામ કરવામાં બાંગ્લાદેશ વારંવાર અવરોધો ઉભા કરે છે, જે હવે સહન ન કરી શકાય." આ ઘટનાની ગંભીરતાને જોતા શનિવારે સ્થાનિક ધારાસભ્ય દધિરામ રાયે પોતે સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી અને BSFના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દેશની સુરક્ષા કાજે સીમા પર ઘૂસણખોરી અને તસ્કરી રોકવા માટે આગામી દિવસોમાં આ વિસ્તારમાં સેનાનો જમાવડો અને સુરક્ષા બંદોબસ્ત વધુ કડક કરવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
