News of Sunday, 19th April 2026
આકાશમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: ઈઝરાયેલના હુમલાના ડરે ઈરાની નેતાઓને પાકિસ્તાની ફાઈટર જેટના રક્ષણ હેઠળ ઘરે મોકલાયા, મધ્ય એશિયામાં યુદ્ધનો ફફડાટ!
પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ખળભળાટ: ‘અમને રસ્તામાં મારી નાખવામાં આવશે’ તેવી ભીતિ વચ્ચે 24 લડાયક વિમાનોએ ઈરાની પ્રતિનિધિમંડળને એસ્કોર્ટ કર્યું - રડાર અને એરબોર્ન વોર્નિંગ સિસ્ટમ સતર્ક

ઈસ્લામાબાદ | તા.18: પાકિસ્તાનની ધરતી પર ગત અઠવાડિયે ચાલેલી યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેની ગુપ્ત યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ઈઝરાયેલ દ્વારા હવાઈ હુમલાના ભય વચ્ચે, પાકિસ્તાન વાયુસેનાએ ઈરાની પ્રતિનિધિમંડળને સુરક્ષિત રીતે તેમના દેશ પરત પહોંચાડવા માટે આખું કાફલો મેદાનમાં ઉતાર્યો હતો. પાકિસ્તાની ફાઈટર જેટ્સે ઈરાની નેતાઓના વિમાનને રક્ષણ પૂરું પાડીને સરહદ સુધી એસ્કોર્ટ કર્યું હોવાના અહેવાલોથી વૈશ્વિક સ્તરે ચર્ચા જાગી છે.
વાટાઘાટો નિષ્ફળ અને જીવનું જોખમ
મળતી વિગતો મુજબ, ઈસ્લામાબાદમાં યોજાયેલી આ બેઠક કોઈ પરિણામ વગર પૂરી થઈ હતી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે સ્પષ્ટ કર્યું હતું કે બંને પક્ષો કોઈ કરાર પર પહોંચી શક્યા નથી. આ નિષ્ફળતા બાદ ઈરાની વાટાઘાટકારો—જેમાં મોહમ્મદ-બઘેર ગાલિબાફ અને અબ્બાસ અરાઘચી જેવા મોટા નામ સામેલ હતા—તેમને આશંકા હતી કે ઈઝરાયેલ આ તકનો લાભ ઉઠાવીને રસ્તામાં જ તેમના વિમાનને નિશાન બનાવી શકે છે. આ ડરને પગલે પાકિસ્તાન વાયુસેનાએ ઓપરેશન સંભાળ્યું હતું.
બે ડઝન જેટ્સ અને AWACS ની બાજ નજર
રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાની પ્રતિનિધિઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા માટે લગભગ બે ડઝન (24) ફાઈટર જેટ્સ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પાકિસ્તાન વાયુસેનાની એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) સતત હવાઈ દેખરેખ રાખી રહી હતી જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલને તુરંત જડબાતોડ જવાબ આપી શકાય. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, "ઈરાનીઓ અત્યંત ચિંતિત હતા કે વાટાઘાટો બગડ્યા પછી તેમને આંતરરાષ્ટ્રીય જળસીમામાં નિશાન બનાવવામાં આવી શકે છે."
વૈશ્વિક રાજનીતિમાં નવો વળાંક
આ ઘટના દર્શાવે છે કે પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો અવિશ્વાસ કેટલો ઊંડો છે. એક તરફ અમેરિકા અને ઈરાન શાંતિ માટે ટેબલ પર બેઠા હતા, તો બીજી તરફ હાઈ-પ્રોફાઈલ નેતાઓને બચાવવા માટે લડાયક વિમાનોનો સહારો લેવો પડ્યો. યુએસ સૈન્ય દ્વારા અરબી સમુદ્રમાં નાકાબંધી અને વધતી જતી સૈન્ય હિલચાલ વચ્ચે આ ઘટનાએ વિશ્વભરના સંરક્ષણ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે.
હાલમાં ઈરાની પ્રતિનિધિમંડળ સુરક્ષિત રીતે તેહરાન પહોંચી ગયું છે, પરંતુ આ ઘટનાએ સાબિત કર્યું છે કે આગામી દિવસોમાં આ પ્રદેશમાં તણાવ ઓછો થવાના કોઈ સંકેત નથી.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
