<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

હાઇવે મુસાફરી બનશે સુપરફાસ્ટ: બિનઆયોજિત શહેરીકરણના ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા કેન્દ્ર સરકારની નવી નીતિ

આગામી ૫૦ વર્ષના આયોજન સાથે દેશભરમાં રિંગ રોડ, બાયપાસ અને એલિવેટેડ કોરિડોરનું નિર્માણ કરાશે

નવી દિલ્હી: દેશભરમાં ઝડપથી વિસ્તરી રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનોની ગતિને અવરોધતા બિનઆયોજિત શહેરીકરણ અને સ્થાનિક ટ્રાફિકના જામનો કાયમી ઉકેલ લાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક મહત્વકાંક્ષી અને ક્રાંતિકારી 'શહેરી ડિકોન્જેશન નીતિ'  જાહેર કરી છે. વિવિધ અભ્યાસોમાં સામે આવ્યું છે કે હાઇવે જ્યારે કોઈ મોટા શહેર કે નગરમાંથી પસાર થાય છે ત્યારે સ્થાનિક વાહનોના દબાણને કારણે સરેરાશ સ્પીડમાં ૧૦ ટકા કે તેથી વધુનો મોટો ઘટાડો નોંધાય છે. આ ગંભીર સમસ્યાને નાથવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો સાથે નવી નીતિ શેર કરી છે, જેના અંતર્ગત હવે હાઇવે પર મોટા પાયે એલિવેટેડ રોડ, બાયપાસ અને રિંગ રોડ બનાવવામાં આવશે, જેને સંબંધિત શહેરોના માસ્ટર પ્લાનમાં ફરજિયાતપણે સાંકળી લેવામાં આવશે.

આ નવી નીતિની સૌથી આકર્ષક અને મહત્વપૂર્ણ જોગવાઈ એ છે કે હવે પછી જે પણ બાયપાસ કે રિંગ રોડ બનશે, તે ઓછામાં ઓછા ચાર લેન ધરાવતા અને સંપૂર્ણપણે 'એક્સેસ-કંટ્રોલ્ડ' (પ્રવેશ નિયંત્રિત) કોરિડોર તરીકે જ વિકસાવવામાં આવશે. આ હાઇવે પર સ્થાનિક ગલીઓ કે આડેધડ રસ્તાઓ સીધા કનેક્ટ નહીં થઈ શકે, પરંતુ મુસાફરો માત્ર ૫-૫ કિલોમીટરના અંતરે બનનારા ખાસ ઇન્ટરચેન્જ કે સ્લિપ રોડ દ્વારા જ અન્ય મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો કે જિલ્લા માર્ગો પરથી એન્ટ્રી મેળવી શકશે. આ પ્રોજેક્ટ્સનું પ્લાનિંગ આગામી ૫૦ વર્ષ દરમિયાન થનારા સંભવિત શહેરી વિસ્તરણ અને વસ્તીવૃદ્ધિના અંદાજોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક ઢબે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં પણ ટ્રાફિકની ગતિ ક્યારેય ધીમી ન પડે.

સરકારે હાઇવેની આસપાસ થતા ગેરકાયદે બાંધકામોને રોકવા માટે કડક કંટ્રોલ ઝોનની પણ જાહેરાત કરી છે, જે મુજબ નવા બાયપાસ કે રિંગ રોડની બંને બાજુએ ૧૫-મીટરના વિસ્તારને 'પ્રતિબંધિત વિકાસ નિયંત્રણ ક્ષેત્ર' (ગ્રીન ઝોન) તરીકે જાહેર કરાશે, જ્યાં માત્ર બસ સ્ટોપ, વીજળી કે પાણીની પાઇપલાઇન જેવી જાહેર સુવિધાઓને જ મંજૂરી મળશે. આ ગ્રીન ઝોનની બહાર, રાજ્યો આગામી સમયમાં ૨ કિલોમીટરની ત્રિજ્યા સુધી વ્યવસ્થિત 'રેગ્યુલેટેડ ડેવલપમેન્ટ ઝોન' (RDZ) બનાવી શકશે. વર્ષ ૨૦૨૫-૨૬ની વસ્તીના અંદાજના આધારે, પ્રથમ તબક્કામાં ૫ લાખથી વધુ વસ્તી ધરાવતા મેગા સિટી અને રાજ્યોના પાટનગરોને આ યોજનામાં અગ્રતા આપવામાં આવશે, જેનાથી દેશના કરોડો વાહનચાલકોની મુસાફરી અત્યંત સુખદ, સુરક્ષિત અને સમય બચાવનારી બની રહેશે.

(10:23 PM IST)