<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

સાઉદી અરેબિયાના આકાશમાં ફ્લાયદુબઈ વિમાનમાં હાઈજેકિંગનો ડ્રામા: ઓમાની કો-પાયલટે છરી વડે હુમલો કરતા ભારતીય મૂળના કેપ્ટને વળતો પ્રહાર કરી ૧૮૦ મુસાફરોના જીવ બચાવ્યા

કોકપિટમાં લોહીના ખાબોચિયા અને ચીસાચીસ વચ્ચે ઇઝરાયેલી મુસાફરો તથા ઓફ-ડ્યુટી પાયલટોએ હુમલાખોરને કાબૂમાં લીધો; ઇમરજન્સી કોડ ૭૫૦૦ ગૂંજતા ઇઝરાયેલી ફાઇટર જેટ્સ હવામાં તૈનાત

તાબુક : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં સાઉદી અરેબિયાના આકાશમાં એક અત્યંત સનસનાટીભરી અને હૃદયધડક ઘટના સામે આવી છે. વિમાનના ઓમાની કો-પાયલટે અચાનક છરી વડે ભારતીય મૂળના કેપ્ટન પર જીવલેણ હુમલો કરી વિમાનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય મૂળના બહાદુર કેપ્ટને ગંભીર ઈજાઓ છતાં અદ્ભુત સાહસ બતાવીને વળતો મુકાબલો કર્યો હતો. મુસાફરો અને ઓફ-ડ્યુટી પાયલટોની સમયસૂચકતાના કારણે એક મોટો વિમાન અકસ્માત અને સંભવિત હાઈજેકિંગની દુર્ઘટના ટળી ગઈ હતી.


હવામાં જ વિમાન નીચે પટકાવા લાગ્યું, કોકપિટમાંથી ચીસો સંભળાઈ

મુસાફરોના જણાવ્યા મુજબ, વિમાન જ્યારે હવામાં સ્થિર ઉડી રહ્યું હતું ત્યારે અચાનક જ તે ઝડપથી નીચે તરફ આવવા લાગ્યું હતું, જેનાથી મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. એ જ સમયે કોકપિટમાંથી ચીસાચીસ અને મદદ માટેની બૂમો સંભળાવવા લાગી હતી. આગળની સીટ પર બેઠેલી એક મહિલા મુસાફરે કોકપિટમાં લોહી જોતાં જ 'મદદ કરો, મદદ કરો' ની બૂમો પાડી હતી. આ સાંભળીને વિમાનમાં સવાર કેટલાક સાહસિક ઇઝરાયેલી મુસાફરો અને પાછળની સીટ પર મુસાફરી કરી રહેલા અન્ય ઓફ-ડ્યુટી પાયલટો તાત્કાલિક કોકપિટ તરફ દોડી ગયા હતા અને હુમલાખોર કો-પાયલટને દબોચી લીધો હતો.


હાઈજેકિંગનો કટોકટી કોડ ૭૫૦૦ અને ફાઈટર જેટ્સનું ટેક-ઓફ

આ સંઘર્ષ દરમિયાન વિમાનમાંથી આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી કોડ ૭૭૦૦ અને હાઈજેકિંગ અથવા ગેરકાયદેસર દખલગીરી દર્શાવતો અત્યંત સંવેદનશીલ ‘કોડ ૭૫૦૦’ મોકલવામાં આવ્યો હતો. આ સિગ્નલ મળતા જ ઇઝરાયલી સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી અને ઇઝરાયેલી વાયુસેનાના ફાઇટર જેટે હવામાં ટેક-ઓફ કરી લીધું હતું. હુમલાખોરને કંટ્રોલ કર્યા બાદ, વિમાનમાં સવાર અન્ય પાયલટોએ કંટ્રોલ હાથમાં લીધો હતો અને બોઇંગ ૭૩૭ વિમાનને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.


ભારતીય કેપ્ટનની હાલત ગંભીર, સુરક્ષા તપાસ તેજ

આ હિંસક ઝપાઝપીમાં ભારતીય મૂળના કેપ્ટન છરીના ઘા વાગવાથી ગંભીર રીતે ઘવાયા હતા. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક ઇઝરાયેલી ડેન્ટિસ્ટે તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. તાબુક એરપોર્ટ પર લેન્ડિંગ બાદ બંને પાયલટોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇઝરાયેલી તપાસ એજન્સીઓ હવે એ વાતની તપાસ કરી રહી છે કે એક વર્ષથી પણ ઓછા સમયથી ફ્લાયદુબઈમાં કામ કરી રહેલા આ ઓમાની કો-પાયલટે કયા હેતુથી આ હુમલો કર્યો હતો અને ઇઝરાયેલ જતી ફ્લાઇટમાં તેને કઈ રીતે સુરક્ષા મંજૂરી મળી હતી.

 

(7:23 PM IST)