<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

હિમાલયન ભૂગર્ભીય હલચલ અને વૈજ્ઞાનિક અભ્યાસો બાદ જમ્મુ-કાશ્મીર માટે ભૂકંપ અંગે લાલબત્તી: દેશના નવા સેસ્મિક ઝોન ફ્રેમવર્કમાં સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશને સૌથી જોખમી શ્રેણીમાં મુકાતા સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા થયા

​ટેક્ટોનિક પ્લેટોના સતત દબાણ, જમીન ધોવાણ અને બિલ્ડિંગ કોડના અભાવ વચ્ચે ભૂકંપ સામેની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાની ગંભીર ખામીઓ ખુલ્લી પડી; શ્રીનગર સહિતના શહેરોમાં મોટા પાયે જાનમાલના નુકસાનની ભૂસ્તરશાસ્ત્રીઓએ ઉચ્ચારી ગંભીર ચિંતા

​શ્રીનગર/નવી દિલ્હી: ​ભારત સરકારના બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ્સ (BIS) દ્વારા જારી કરાયેલા નવા ભૂકંપ કોડ અને ભૂસ્તરશાસ્ત્રીઓના તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનો બાદ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઊંચા જોખમે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. નવા સેસ્મિક ઝોનેશન મેપ હેઠળ જમ્મુ-કાશ્મીર અને લડાખના સમગ્ર પ્રદેશને ભારતના સૌથી ખતરનાક ગણાતા 'સેસ્મિક ઝોન-૬' માં મૂકવામાં આવ્યો છે. ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો વચ્ચે સતત વધી રહેલા ઘર્ષણ અને ભૂગર્ભીય દબાણને કારણે હિમાલયન આર્ક ક્ષેત્રમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવવાની શક્યતાઓ વચ્ચે સ્થાનિક પ્રશાસન અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાસ્તવિક તૈયારીઓ સામે ભારે શંકા-કુશંકાઓ જાગી રહી છે.

​વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે કાશ્મીર ઘાટી એક 'સેસ્મિક ગેપ' પર આવેલી છે, જ્યાં ભૂગર્ભમાં દાયકાઓથી મોટી ઊર્જા એકઠી થઈ રહી છે પરંતુ તે ભૂકંપ રૂપે બહાર આવી નથી. તાજેતરના પીઅર-રિવ્યૂડ અભ્યાસો અનુસાર, આગામી સમયમાં આ ક્ષેત્રમાં ૭.૬ કે તેથી વધુ તીવ્રતાનો રિક્ટર સ્કેલ ભૂકંપ આવવાની શક્યતા ૪૦ ટકા જેટલી છે. ખાસ કરીને શ્રીનગર, જમ્મુ, અનંતનાગ અને બારામુલ્લા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં જમીનની પોચી બનાવટ અને 'લિક્વિફેક્શન' (ભૂકંપ દરમિયાન જમીનનું પાણી સાથે ભળીને પોચી પડી જવું)ના ભયને કારણે ભૂકંપના આંચકા વધુ વિનાશક સાબિત થઈ શકે તેમ છે.

​આ સંભવિત ખતરા સામે સૌથી ચિંતાજનક બાબત ક્ષેત્રનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. શ્રીનગર શહેરની લગભગ ૯૮ ટકા ઇમારતો ભૂકંપરોધક (સેસ્મિક રેસિસ્ટન્ટ) નિયમોનું પાલન કર્યા વિના બનાવવામાં આવી છે. નિષ્ણાતોના મતે, ત્રણ-ચાર માળની રહેણાંક અને વ્યાપારી ઇમારતો ભૂકંપના આડી ધ્રુજારીના બળને સહન કરવા માટે અસમર્થ છે. આ ઉપરાંત ઇમારતોની છત, પાળાઓ, ઓવરહેડ ટાંકીઓ અને વીજળીના વાયરોનું યોગ્ય એન્કરિંગ ન હોવાથી ભૂકંપ દરમિયાન મુખ્ય માળખું ટકી રહે તો પણ આ વસ્તુઓ પડવાથી મોટા પ્રમાણમાં જાનહાનિ થવાનું જોખમ રહેલું છે.

​બીજી તરફ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પાસે ઉપલબ્ધ સાધનો અને કટોકટીની સજ્જતા પણ તળિયા ઝાટક સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે ડ્રીલ અને જાગરૂકતાનો અભાવ, જર્જરિત રાહત સામગ્રી, સમયસર ચેતવણી આપતી સિસ્ટમનો અભાવ અને હોસ્પિટલો તથા ઈમરજન્સી સેવાઓની મર્યાદિત ક્ષમતા એ સાબિત કરે છે કે જો કોઈ મોટી કુદરતી આપત્તિ ત્રાટકશે તો રાહત અને બચાવ કામગીરી ખુબ મુશ્કેલ બની જશે.

​ભૂસ્તરશાસ્ત્રીઓ અને સેસ્મોલોજિસ્ટ્સનું કહેવું છે કે ભૂકંપ ક્યારે આવશે તેની સચોટ સમય-તારીખ કોઈ કહી શકતું નથી, પરંતુ વૈજ્ઞાનિક ડેટા સ્પષ્ટ કરે છે કે જોખમ તીવ્ર છે. સરકારે તાત્કાલિક ધોરણે જૂની ઇમારતોનું રેટ્રોફિટિંગ, નવા બિલ્ડિંગ બાયલોઝનું કડક પાલન, સમુદાય સ્તરે ડિઝાસ્ટર ટ્રેનિંગ અને કટોકટી બચાવ ક્ષમતામાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે.

(1:24 PM IST)