<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સ દ્વારા ૧ અબજ ડોલરના આઈપીઓ માટે આ અઠવાડિયે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કરાય તેવી સંભાવના

અંદાજે ૧૦ અબજ ડોલરના મૂલ્યાંકન સાથે વર્ષ ૨૦૨૭માં કંપની શેરબજારમાં લિસ્ટ થશે; જ્યુબિલન્ટ ભારતીય ગ્રુપ અને કોકા-કોલાની ભાગીદારીથી વિસ્તરશે વેપાર

મુંબઈ, તા.26: કોકા-કોલા પે્રમીયમ બેવરેજીસની અગ્રણી કંપની હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ (HCCB) ની હોલ્ડિંગ કંપની દ્વારા ભારતીય શેરબજારમાં ઇતિહાસ રચવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સ (HCCH) દ્વારા આ અઠવાડિયે જ માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે, જેના દ્વારા આશરે ૧ અબજ ડોલર (અંદાજે ૮,૩૦૦ કરોડ રૂપિયાથી વધુ) ના પ્રસ્તાવિત પબ્લિક ઇશ્યૂની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.

આ પ્રસ્તાવિત ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) મુખ્યત્વે હિસ્સાના વેચાણ દ્વારા લાવવામાં આવશે અને કંપની દ્વારા આ ઇશ્યૂ માટે આશરે ૧૦ અબજ ડોલરનું જંગી મૂલ્યાંકન અપેક્ષિત રાખવામાં આવ્યું છે. આ સંભવિત લિસ્ટિંગ પ્રક્રિયાને સફળ બનાવવા માટે એક્સિસ કેપિટલ અને આઈએફએલ કેપિટલ સર્વિસીસ સહિતના નામાંકિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સલાહકાર તરીકે રોથ્સચાઇલ્ડ એન્ડ કંપની જવાબદારી સંભાળી રહી છે.

આ મહત્ત્વપૂર્ણ આઈપીઓનું માળખું જુલાઈ ૨૦૨૫ માં પૂર્ણ થયેલા માલિકી હક્કના મોટા પુનર્ગઠન બાદ તૈયાર થયું છે, જેમાં જ્યુબિલન્ટ ભારતીયા ગ્રુપે કંપનીમાં ૪૦ ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો, જ્યારે બાકીનો ૬૦ ટકા હિસ્સો મૂળ કંપની 'ધ કોકા-કોલા કંપની' પાસે જળવાઈ રહ્યો છે. કંપનીના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલું ભારતના ઝડપથી વિકસતા બેવરેજ બજારમાં બોટલરની સ્થિતિને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાની વ્યૂહરચનાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

ભારત અને દક્ષિણ-પશ્ચિમ એશિયાના પ્રમુખ સંકેત રેએ આ ભાગીદારી અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ લિસ્ટિંગથી કંપનીના ભવિષ્યના વિકાસને અદભુત વેગ મળશે. દેશભરમાં કોકા-કોલા, થમ્સ અપ, સ્પ્રાઈટ અને ફેન્ટા જેવી લોકપ્રિય બ્રાન્ડ્સનું ઉત્પાદન અને વિતરણ કરતી આ કંપની ભારતના ૧૦ રાજ્યોમાં ૧૪ અત્યાધુનિક બોટલિંગ પ્લાન્ટ્સ ચલાવી રહી છે, જેના વિશાળ વિતરણ નેટવર્ક દ્વારા ૨,૦00 થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ મારફતે ૧૭ લાખથી વધુ ગ્રાહકોને સીધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

જ્યુબિલન્ટ ભારતીય ગ્રુપના ચેરમેન શ્યામ ભારતીયા અને સહ-ચેરમેન હરિ ભારતીયાએ પણ આ સૂચિત પબ્લિક લિસ્ટિંગ પર ખુશી વ્યક્ત કરતા શેરધારકો માટે દીર્ઘકાલીન મૂલ્ય સર્જનની વણઝાર સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કંપની ડાયરેક્ટલી આશરે ૫,૦૦૦ કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે અને સ્થાનિક બજારમાં પોતાની મજબૂત પકડ જમાવી રહી છે.

આઈપીઓનું અંતિમ કદ, સમયમર્યાદા અને અન્ય ઔપચારિકતાઓ નિયમનકારી મંજૂરીઓ તેમજ બજારની પ્રવર્તમાન સ્થિતિ પર આધારિત રહેશે. આ જાહેર ભરણાના આગમનથી ભારતીય કેપિટલ માર્કેટમાં એફએમસીજી અને બેવરેજ સેક્ટરના રોકાણકારોમાં ભારે આકર્ષણ ઊભું થવાની પૂરી શક્યતા છે.

(4:36 PM IST)