News of Wednesday, 25th November 2026
સ્વાદુપિંડના કેન્સર સામે ઐતિહાસિક સફળતા: નવી દૈનિક ગોળીએ ગાંઠોને સંકોચીને અદૃશ્ય કરી નાખી
અત્યંત ઘાતક અને અદ્યતન તબક્કાના સ્વાદુપિંડના કેન્સરમાં 'ડેરેક્સોનાસિબ' દવાના પરિણામો જોઈ વૈજ્ઞાનિકો ઉત્સાહિત : 90% દર્દીઓમાં ગાંઠનો વિકાસ અટક્યો : ફેફસાં અને અંડાશયના કેન્સરમાં પણ આશાનું નવું કિરણ

લંડન: વિશ્વના સૌથી ખતરનાક અને ઘાતક કેન્સરમાં ગણાતા સ્વાદુપિંડના કેન્સરની સારવારમાં વૈજ્ઞાનિકોને દાયકાઓ બાદ મોટી સફળતા મળી છે. બ્રિટિશ વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા કરવામાં આવેલા ટ્રાયલમાં નવી દૈનિક ગોળી 'ડેરેક્સોનાસિબ' (ડારાક્સોનારાસિબ) એ અદભૂત પરિણામો આપ્યા છે. બીબીસીના અહેવાલ મુજબ, આ ટ્રાયલમાં ભાગ લેનારા 61 દર્દીઓમાં કેન્સર અદ્યતન તબક્કામાં હતું અને અન્ય અવયવો સુધી ફેલાઈ ચૂક્યું હતું, પરંતુ કીમોથેરાપી સાથે આ નવી લક્ષિત દવા આપ્યા બાદ 90 ટકા દર્દીઓમાં ગાંઠનો વિકાસ અટકી ગયો હતો. એટલું જ નહીં, 60 ટકાથી વધુ દર્દીઓમાં ગાંઠો સંકોચાઈ ગઈ અથવા અદૃશ્ય થઈ ગઈ, અને CT સ્કેન દરમિયાન લગભગ 8 ટકા (12 માંથી 1) દર્દીઓમાં ગાંઠ જોવા મળી ન હતી.
કેન્સર રિસર્ચ યુકેએ આ સફળતાને દાયકાઓમાં સ્વાદુપિંડના કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટી છલાંગ ગણાવી છે. સામાન્ય રીતે અદ્યતન તબક્કામાં પહોંચ્યા બાદ દર્દીઓનું આયુષ્ય વર્ષો નહીં પણ મહિનાઓમાં માપવામાં આવે છે અને સારવાર બાદ પણ કેન્સર પાછું વધવાની શક્યતા રહે છે, પરંતુ આ ટ્રાયલમાં સરેરાશ દોઢ વર્ષની દેખરેખ દરમિયાન કેટલાક દર્દીઓમાં કેન્સર પાછું આવ્યું નથી. ડૉ. સેમ ગોડફ્રેએ જણાવ્યું કે આ પરિણામો અત્યંત પ્રોત્સાહક છે અને અસાધ્ય ગણાતા આ રોગમાં દર્દીઓને વધુ સમય અને આશા આપે છે.
મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરના ડૉ. વૂંગકી પાર્કે પણ જણાવ્યું છે કે આ દવાથી ગાંઠો પર પ્રતિભાવ દર વધવાની સાથે દર્દીઓના લાંબા સમય સુધી જીવિત રહેવાની શક્યતા વધી છે. આ લક્ષિત દવા ગાંઠના વિકાસ માટે જવાબદાર પરિવર્તનોને અટકાવીને તેનો નાશ કરે છે, અને આવા જ પરિવર્તનો ફેફસાં તથા અંડાશયના કેન્સરમાં પણ જોવા મળતા હોવાથી ભવિષ્યમાં આ સારવાર અન્ય કેન્સર માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
