News of Sunday, 29th November 2026
અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક ફેરફાર : 6 ડિસેમ્બરથી નાસ્ડેક અને NYSE Arca પર સપ્તાહના પાંચ દિવસ 23 કલાક ટ્રેડિંગ થશે
રવિવારે રાત્રે 9 વાગ્યાથી શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી બજાર ધમધમશે : સિસ્ટમ મેઈન્ટેનન્સ અને ક્લિયરિંગ માટે દરરોજ એક કલાકનો વિરામ રહેશે : નિયમિત ટ્રેડિંગ કલાકો યથાવત રાખી નવું ઓવરનાઈટ સેશન ઉમેરાશે (ન્યૂઝફર્સ્ટ)

ન્યૂયોર્ક (ન્યૂઝફર્સ્ટ) : વૈશ્વિક નાણાકીય બજારોમાં એક મોટા અને ઐતિહાસિક પરિવર્તનના ભાગરૂપે અમેરિકન સ્ટોક એક્સચેન્જ નાસ્ડેક (Nasdaq) અને એનવાયએસઈ આર્કા (NYSE Arca) આગામી 6 ડિસેમ્બરથી યુએસ ઈક્વિટી ટ્રેડિંગનો સમયગાળો વધારીને સપ્તાહના પાંચ દિવસ દરરોજ 23 કલાક કરવા જઈ રહ્યા છે. આ નવી વ્યવસ્થા હેઠળ રવિવારે રાત્રે 9:00 વાગ્યે (ઈસ્ટર્ન ટાઈમ - ET) ટ્રેડિંગ શરૂ થશે અને શુક્રવારે રાત્રે 8:00 વાગ્યા સુધી અવિરત ચાલુ રહેશે.
નવા સમયપત્રક મુજબ, દરરોજ રાત્રે 8:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી એક કલાકનો દૈનિક વિરામ રાખવામાં આવશે. આ એક કલાકના ગાળામાં સિસ્ટમ મેઈન્ટેનન્સ, ક્લિયરિંગ અને કોર્પોરેટ-એક્શન પ્રોસેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. નાસ્ડેક તેના હાલના ટ્રેડિંગ કલાકોની સાથે-સાથે રાત્રે 9:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધીનું એક નવું ઓવરનાઈટ સેશન પણ ઉમેરશે.
બજારના નિયમિત કલાકો એટલે કે સવારે 9:30 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેથી મુખ્ય પ્રાઈસ-ડિસ્કવરી વિન્ડો યથાવત જળવાઈ રહે. જોકે, ઓવરનાઈટ ટ્રેડિંગની સુવિધા એક્સચેન્જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રોકરની ભાગીદારી અને લાગુ પડતા ટ્રેડિંગ નિયમોને આધીન રહેશે. વધુમાં, આ વિસ્તરણનો અર્થ અઠવાડિયાના સાતેય દિવસ ચોવીસ કલાક ટ્રેડિંગ એવો થતો નથી અને અમેરિકન શેરબજારની જાહેર રજાઓ રાબેતા મુજબ લાગુ રહેશે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
