<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

બ્રિટન સરકારનો ઐતિહાસિક નિર્ણય: સાચા શરણાર્થીઓ માટે સમુદાય અને નોકરીદાતાઓના સ્પોન્સરશિપ આધારિત નવા કાયદેસર માર્ગો ખુલશે, જ્યારે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને દેશનિકાલ કરવાના નિયમો વધુ કડક બનાવાશે

​માનવ અધિકાર કાયદાના દુરુપયોગ પર અંકુશ મેળવવા અને ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે બ્રિટિશ ગૃહ સચિવ શબાના મહમૂદે નવો ઇમિગ્રેશન એન્ડ અસાઇલમ પ્લાન જાહેર કર્યો; કેનેડાની સફળ સ્પોન્સરશિપ સિસ્ટમથી પ્રેરિત મોડલ દેશમાં લાગુ કરાશે

​લંડન : બ્રિટિશ સરકારે દેશની શરણાર્થી અને ઇમિગ્રેશન નીતિમાં વ્યાપક સુધારા કરવાની જાહેરાત કરી છે. બ્રિટનના ગૃહ સચિવ શબાના મહમૂદે શુક્રવારે જણાવ્યું હતું કે, બ્રિટન લાયક અને સાચા શરણાર્થીઓ માટે દેશમાં પ્રવેશવાના સુરક્ષિત તથા કાયદેસરના નવા સ્પોન્સરશિપ માર્ગો શરૂ કરવા જઈ રહ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ સ્થાનિક સમુદાયો, પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને વ્યવસાયિક નોકરીદાતાઓ વિદેશથી આવતા શરણાર્થીઓને બ્રિટન આવવા માટે સીધા સ્પોન્સર કરી શકશે. આ યોજના આગામી પાનખર ઋતુથી તબક્કાવાર શરૂ કરવામાં આવશે અને તેનો હેતુ માનવ તસ્કર ટોળકીઓ દ્વારા થતી જોખમી ગેરકાયદે ઘૂસણખોરીને અટકાવવાનો છે.

​નવા ઇમિગ્રેશન એન્ડ અસાઇલમ બિલની વિગતો આપતાં ગૃહ સચિવે સ્પષ્ટ કર્યું હતું કે, એક તરફ જ્યાં જરૂરિયાતમંદો માટે કાયદેસરના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ દેશમાં ગેરકાયદેસર રીતે વસતા લોકોને ઝડપથી ડિપોર્ટ (દેશનિકાલ) કરવા માટે માનવ અધિકાર કાયદાઓમાં મોટા ફેરફારો કરવામાં આવશે. બ્રિટન સરકારના જણાવ્યા અનુસાર, આ નવી સ્પોન્સરશિપ વ્યવસ્થા કેનેડાના પ્રસિદ્ધ 'કમ્યુનિટી સ્પોન્સરશિપ' કાર્યક્રમથી પ્રેરિત છે, જેણે વર્ષ ૧૯૭૯થી અત્યાર સુધીમાં આશરે ૪ લાખ લોકોને સફળતાપૂર્વક આશરો આપ્યો છે.

​આગામી વર્ષથી નોકરીદાતાઓ માટે શરણાર્થીઓને સ્પોન્સર કરવાનો અલગ રૂટ પણ ખોલવામાં આવશે. જોકે, આ નવી કાયદેસર વ્યવસ્થા હેઠળ વાર્ષિક કેટલા શરણાર્થીઓને પ્રવેશ અપાશે તેની ચોક્કસ સંખ્યા સરકારે જાહેર કરી નથી, પરંતુ ગૃહ મંત્રાલયે સંકેત આપ્યા છે કે આ સિસ્ટમ હાલની નાની પુનર્વસન યોજનાઓ કરતાં ઘણી મોટી ક્ષમતા પર કામ કરશે.

​બીજી તરફ, સરકારે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે શરણાર્થીઓના વિષયમાં માનવ અધિકારના કાયદાઓ અને 'કૌટુંબિક જીવનના અધિકારો'નો વારંવાર દુરુપયોગ થતો આવ્યો છે. તેના પર રોક લગાવવા માટે નવા કાયદા હેઠળ 'પરિવાર'ની વ્યાખ્યા મર્યાદિત કરીને માત્ર નજીકના સગાંઓ સુધી જ સીમિત કરાશે. યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સનો સહારો લઈને ગુનેગારો અને ગેરકાયદે વસાહતીઓ પોતાના દેશનિકાલ સામે જે કાનૂની અડચણો ઊભી કરે છે, તેને નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત, બ્રિટનમાં વસતા શરણાર્થીઓના સ્ટેટસની દર ૩૦ મહિને સમીક્ષા કરવામાં આવશે અને જો તેમનો મૂળ દેશ સુરક્ષિત જણાશે તો તેમને પરત મોકલી દેવાશે. પેરિસ અને બ્રિટન વચ્ચે દરિયાઈ માર્ગે નાની બોટો દ્વારા થતી જોખમી ઘૂસણખોરી અને સરકારી ખર્ચે શરણાર્થીઓને રાખવાના વધી રહેલા આર્થિક બોજને કારણે આ કડક કાયદાકીય સુધારા અમલી બનાવવામાં આવી રહ્યા છે.

(8:06 PM IST)