<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

અંતરિક્ષ ક્ષેત્રે ભારત-યુરોપનો ઐતિહાસિક શંખનાદ: ISRO અને ESA એ ૨૦૩૨ સુધી ભાગીદારીનું કર્યું નવીકરણ!

અવકાશ હવામાન, ગગનયાન જેવા માનવ મિશન અને ડીપ સ્પેસ રિસર્ચ પર રહેશે વિશેષ ધ્યાન; પેરિસમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પેસ સમિટમાં કરાર પર હસ્તાક્ષર

નવી દિલ્હી : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ પોતાના દાયકાઓ જૂના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડતા પોતાના સહકાર કરારને વર્ષ ૨૦૩૨ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. પેરિસ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પેસ સમિટ દરમિયાન ઇસરો ચેરમેન વી. નારાયણન અને ઈએસએ ના ડિરેક્ટર જનરલ જોસેફ એશબેચર દ્વારા આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારથી હવે ઉપગ્રહ પ્રક્ષેપણ ઉપરાંત સ્પેસ વેધર (અવકાશ હવામાન), માનવ સ્પેસફ્લાઈટ અને રોબોટિક એક્સપ્લોરેશન જેવા જટિલ ક્ષેત્રોમાં બંને દેશો એકબીજાના ભાગીદાર બનશે.

 

આ કરાર એવા સમયે આવ્યો છે જ્યારે વિશ્વભરની સ્પેસ એજન્સીઓ પૃથ્વીની ભ્રમણકક્ષાથી આગળ વધીને ચંદ્ર અને ઊંડા અંતરિક્ષ તરફ નજર દોડાવી રહી છે. અવકાશ હવામાનમાં થતા ફેરફારો પૃથ્વી પરના સેટેલાઇટ નેવિગેશન, પાવર ગ્રીડ અને સંચાર પ્રણાલીને સીધી અસર કરી શકે છે, જેથી આ ક્ષેત્રે સંયુક્ત સંશોધન ભારત અને યુરોપ બંને માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ઇસરો અને ઈએસએ અગાઉ આદિત્ય-L1 અને પ્રોબા-3 જેવા અદભુત મિશન પર સાથે કામ કરી ચૂક્યા છે અને આગામી 'ચંદ્રયાન-૫' મિશનમાં પણ મોટો સહયોગ આપે તેવી પૂર્ણ શક્યતા છે.

 

ગગનયાન અને માનવ સંશોધનને મળશે મોટો વેગ

 

આ વિસ્તૃત ભાગીદારી ભારતના મહત્વાકાંક્ષી 'ગગનયાન' મિશન માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. ભારત આગામી સમયમાં માનવરહિત અને માનવસહિત રોબોટિક મિશનની શ્રેણીનું આયોજન કરી રહ્યું છે, જેમાં મહિલા હ્યુમનોઈડ રોબોટ 'વ્યોમમિત્રા' ને અવકાશમાં મોકલવાની યોજના પણ સામેલ છે. ભારતીય ગગનયાત્રીઓએ ઈએસએ (ESA) ના વિવિધ કેન્દ્રોમાં તાલીમ પણ મેળવી છે, જેથી આ નવો કરાર ગગનયાત્રીઓની સુવિધાઓ અને ટેકનોલોજી ટ્રાન્સફરમાં મદદરૂપ થશે.

 

૧૯૭૮થી શરૂ થયેલી ઇસરો અને ઈએસએ ની આ મુસાફરી શરૂઆતમાં માત્ર પૃથ્વીના નિરીક્ષણ અને રિમોટ સેન્સિંગ ડેટા પુરતી મર્યાદિત હતી. જોકે, ૨૦૦૨ અને ૨૦૨૬માં થયેલા કરારો બાદ હવે બંને એજન્સીઓ એકબીજાના ગ્રાઉન્ડ સ્ટેશન, મિશન ટ્રેકિંગ અને ટેકનોલોજી શેરિંગ દ્વારા ખર્ચ ઘટાડીને વધુ સસ્તા અને વિશ્વસનીય સ્પેસ મિશન તૈયાર કરી શકશે. ૨૦૩૨ સુધી લંબાવવામાં આવેલો આ કરાર ભારત અને યુરોપ વચ્ચે અવકાશ ક્ષેત્રે સહકારનો નવો સુવર્ણ અધ્યાય લખશે.

(8:54 PM IST)