<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

અંતરિક્ષ ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક જુગલબંધી: NASA ના મૂન બેઝ પ્રોગ્રામમાં જોડાવા ISRO ને મળ્યું સત્તાવાર આમંત્રણ!

બેંગલુરુ સ્પેસ એક્સ્પો ૨૦૨૬માં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરની મોટી જાહેરાત: ચંદ્ર પર હવે સાથે કામ કરશે બંને દેશો: ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ્સ માટે પણ ખુલશે નવી તકો

બેંગલુરુ :વિશ્વમાં અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચેનો સહયોગ હવે એક નવા અને ઐતિહાસિક યુગમાં પ્રવેશ કરી રહ્યો છે. અમેરિકા હવે એકલું ચંદ્ર પર જવા નથી માંગતું, પરંતુ તે ઇચ્છે છે કે ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) પણ તેની સાથે આ મહાઅભિયાનમાં જોડાય. 'બેંગલુરુ સ્પેસ એક્સ્પો ૨૦૨૬' માં ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે જાહેરાત કરી છે કે, નાસા (NASA) એ ઇસરોને તેના 'મૂન બેઝ પ્રોગ્રામ' માં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. અમેરિકા ફરી એકવાર માનવોને ચંદ્રની સપાટી પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે અને આ વૈશ્વિક મિશનમાં ભારત તેનું મહત્વનું ભાગીદાર બને તેવી સ્પષ્ટ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.

નાસાનો 'આર્ટેમિસ પ્રોગ્રામ' ચંદ્ર પર માનવોને પુનઃ મોકલીને ત્યાં લાંબા ગાળાના વૈજ્ઞાનિક સંશોધન અને માનવીય વસવાટ માટેની શક્યતાઓ તપાસવાનો છે. આ મિશનથી મળેલા અનુભવ અને ડેટાનો ઉપયોગ ભવિષ્યના 'મંગળ મિશન' માટે કરવામાં આવશે. નોંધનીય છે કે ભારતે વર્ષ ૨૦૨૩માં જ આર્ટેમિસ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. હવે મૂન બેઝ પ્રોગ્રામમાં મળેલી આ નવી તકથી બંને દેશો માટે સંયુક્ત સ્પેસ રિસર્ચના નવા દ્વાર ખુલશે.


યુએસ એમ્બેસેડરે ભારતીય સ્પેસ ઇકોસિસ્ટમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, અમેરિકન રોકાણકારો ભારતીય સ્પેસ-ટેક કંપનીઓમાં ભારે રસ દાખવી રહ્યા છે. તેમણે પિક્સેલ, ગેલેક્સી, દિગંતારા, બેલાટ્રિક્સ, સ્કાયરૂટ અને અગ્નિકુલ જેવા ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ્સનો ઉલ્લેખ કરીને ઉમેર્યું કે, અમેરિકા આ કંપનીઓને પોતાના બજારમાં નવી તકો પૂરી પાડવા અને બંને દેશોના સ્પેસ સેક્ટરને એકસાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે.

(6:42 PM IST)