News of Friday, 8th May 2026
તમિલનાડુમાં ઐતિહાસિક રાજકીય સંકટ: વિજયની પાર્ટીનો રાજ્યપાલ સામે મોરચો, ૧૦૮ ધારાસભ્યોના રાજીનામાની ચીમકી

ચેન્નઈ: તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર બનાવવાને લઈને એક અભૂતપૂર્વ અને અત્યંત ગંભીર રાજકીય કટોકટી સર્જાઈ છે. સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે હવે આરપારની લડાઈના મૂડમાં છે.
ચૂંટણીમાં ૧૦૮ બેઠકો જીતીને ટીવીકે સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો હોવા છતાં, રાજ્યપાલ આર.વી. અર્લેકરે તેમને બહુમતી સાબિત કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યપાલે ૧૧૮ ધારાસભ્યોના સમર્થનનો આગ્રહ રાખતા ટીવીકે સમર્થકો અને નેતાઓમાં ભારે રોષ છે. હાલ કોંગ્રેસના ૫ ધારાસભ્યોના ટેકા સાથે ટીવીકે ૧૧૩ના આંકડા પર છે. આ સ્થિતિ વચ્ચે ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે અકુદરતી ગઠબંધનની ચર્ચાઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અભિનેતા વિજયે ખુલ્લી અને કડક ચેતવણી ઉચ્ચારી છે કે જો આ બંને પક્ષો મિલીભગત કરીને સત્તા હડપવાનો પ્રયાસ કરશે, તો તેમના તમામ ૧૦૮ ધારાસભ્યો સામૂહિક રાજીનામા આપીને રાજ્યમાં બંધારણીય કટોકટી ઉભી કરી દેશે. આ ઉપરાંત વિજય હવે આ મામલે કાયદાકીય લડત લડવા અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ ડીએમકેએ તમામ સત્તા એમ.કે. સ્ટાલિનને સોંપી દીધી છે, જ્યારે સીપીઆઇ અને કમલ હાસન જેવા નેતાઓ વિજયના સમર્થનમાં ખુલીને બહાર આવ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
