<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

થાણેની લોક અદાલતમાં ઐતિહાસિક સમાધાન: અકસ્માતમાં મૃત્યુ પામેલા નર્સના પરિવારને મળશે ₹૧.૮૦ કરોડનું વળતર!

ટાટા મેમોરિયલના હેલ્થકેર પ્રોફેશનલના માર્ગ અકસ્માતમાં મોત બાદ મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલમાં દાખલ કરાયો હતો દાવો: દિવસનું સૌથી મોટું વળતર ચૂકવાયું

થાણે : થાણે ખાતે આયોજિત સ્પેશિયલ લોક અદાલતમાં શનિવારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ કાનૂની સમાધાન સામે આવ્યું છે. માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા એક હેલ્થકેર પ્રોફેશનલના પીડિત પરિવારને ૧.૮૦ કરોડ રૂપિયાનું જંગી વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. કોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે લોક અદાલતમાં થયેલા તમામ સમાધાનોમાં આ દિવસનું સૌથી વધુ રકમનું ભરપાઈ સમાધાન રહ્યું છે.

આ ઐતિહાસિક સમાધાન મૃતક ૩૬ વર્ષીય વિજયકુમાર ચિન્નાદુરાઈ અદિદ્રાવિદરના પરિવાર અને ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે સર્વસંમતિથી શક્ય બન્યું છે. વિજયકુમાર મુંબઈની પ્રખ્યાત ટાટા મેમોરિયલ સેન્ટરમાં કાયમી નર્સ તરીકે ફરજ बजाવતા હતા અને તેમનો માસિક પગાર ૧,૦૬,૨૨૪ રૂપિયા હતો. બીજી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ મુંબઈ-ગોવા હાઈવે પર પોતાની બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલા એક ટ્રેલરે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

વિજયકુમાર પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિ હોવાથી તેમના અવસાન બાદ પરિવાર પર આર્થિક સંકટ ઘેરાયું હતું. આથી તેમની પત્ની વિશાખા અદિદ્રાવિદરે થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (MACT) માં વળતર મેળવવા દાવો નોંધાવ્યો હતો. લોક અદાલતની મધ્યસ્થીથી લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો છે.

સમાધાનની રકમનો ₹૧.૮૦ કરોડનો ચેક પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર. ડી. સાવંત, MACT સભ્ય આર. વી. મોહિતે અને વીમા કંપનીના રિજનલ મેનેજરની વિશેષ ઉપસ્થિતિમાં પીડિત પરિવારને સોંપવામાં આવ્યો હતો. લોક અદાલતના આ સરાહનીય નિર્ણયથી લાંબી અને ખર્ચાળ કોર્ટ કાર્યવાહી વિના મૃતકના પરિવારને સમયસર મોટો નાણાકીય સહારો મળી રહ્યો છે.

(10:14 PM IST)