News of Wednesday, 1st July 2026
ભુજની સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ભારતીય સીમામાં રૂ.૫૭૫ કરોડનું હેરોઇન ઘુસાડવાના ત્રણ મોટા કેસમાં સંડોવાયેલા ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની સહિત કુલ ૧૯ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલરોને ૨૦ વર્ષની સખત કેદની સજા
જજ વી.એ.બુધ્ધે દેશની આંતરિક સુરક્ષા સામે સંકત ઊભું કરવાનું રાષ્ટ્રીય સ્તરનું સુનિયોજિત કાવતરું ગણાવી તમામ ગુનેગારોને ભારે દંડ ફટકાર્યો : મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાની ધારદાર દલીલો અને એટીએસ-કોસ્ટગાર્ડના ઓપરેશન બાદ કાયદાનો સકંજો

વિનોદ ગાલા દ્વારા, ભુજ, ૧ જુલાઈ: ભારતના દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું નશીલું ઝેર ઘુસાડવાનો નાપાક પ્રયાસ કરનારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક પર ભુજની સ્પેશિયલ કોર્ટે લાલઆંખ કરી છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કુલ ૫૭૫ કરોડ રૂપિયાની કિંમતનો હેરોઇનનો જથ્થો ઘુસાડવાના ત્રણ અલગ-અલગ મોટા ગુનાઓમાં સંડોવાયેલા ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની નાગરિક સહિત કુલ ૧૯ આરોપીઓને ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ NDPS કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નામદાર કોર્ટના જજ વી.એ.બુધ્ધે ચુકાદો આપતાં ગંભીર નોંધ કરી હતી કે, આરોપીઓનું આ કૃત્ય દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરે છે અને ભારતના યુવાનોને નશાના ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું એક સુનિયોજિત કાવતરું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીઓ કોઈ પણ પ્રકારની નરમાશને પાત્ર નથી.
બંને કલમો હેઠળની સજા અલગ-અલગ ભોગવવી પડશે, પ્રત્યેકને ભારે દંડ:
સ્પેશિયલ NDPS કોર્ટે તમામ ૧૯ આરોપીઓને કડક સજા સંભળાવી છે, જેમાં NDPS એક્ટની કલમ ૮(સી) ના ગુનામાં તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેક આરોપીને ૨,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, NDPS એક્ટની કલમ ૨૩(સી) ના ગુનામાં પણ તકસીરવાન ઠેરવી અન્ય ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેક આરોપીને ૨,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે આ બંને કલમો હેઠળની સજાઓ આરોપીઓએ એક પછી એક (અલગ-અલગ) ભોગવવાની રહેશે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને મજબૂત સાક્ષીઓ તપાસ્યા હતા અને ધારદાર કાનૂની દલીલો રજૂ કરી હતી. (વિનોદ ગાલા દ્વારા ભુજ).
કેસ ૧: જખૌ દરિયામાંથી રૂ.૧૭૫ કરોડનું હેરોઇન ઝડપાયું (૦૬/૦૧/૨૦૨૦)
આ કેસની વિગત મુજબ, એટીએસ ગુજરાતને મળેલી ખાનગી માહિતીના આધારે પાકિસ્તાનના કાપર ક્રીકથી આવતી બોટને જખૌના દરિયામાં એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી ભુજની સંયુક્ત ટીમે આંતરી હતી. બોટમાંથી ૩૫,૦૫૫ ગ્રામ (આશરે ૩૫ કિલો) હેરોઇન જપ્ત કરાયું હતું, જેની કિંમત ૧૭૫ કરોડ રૂપિયા હતી. આ ઓપરેશનમાં પાકિસ્તાની આરોપીઓ ઇસ્માઇલ મોહમદ જામ (ઉં.વ. ૫૦), અનીશ ઇશા ભટી (ઉં.વ. ૩૦), અબુબકર હાસમ કુંગરા (ઉં.વ. ૭૦) અને અશરફ ઉસ્માન ભટી (ઉં.વ. ૪૨) ને ઝડપી લેવાયા હતા. આ કેસમાં તપાસ અધિકારી એટીએસના પીઆઈ આઇ.આર.જાડેજાએ ગુનો નોંધ્યો હતો અને તપાસ બાદ પીઆઈ ડી.બી.બસીયાએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
કેસ ૨: હૈદરી પોર્ટથી આવેલું રૂ.૧૫૦ કરોડનું હેરોઇન પકડાયું (૧૫/૦૪/૨૦૨૧)
બીજા ગુનામાં પાકિસ્તાનના હૈદરી પોર્ટથી બોટ મારફતે જખૌના દરિયામાં ડ્રગ્સની ડિલિવરી થવાની બાતમીના આધારે ફરી એકવાર એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજી ભુજે સંયુક્ત રેડ કરીને શંકાસ્પદ બોટ ઝડપી પાડી હતી. તેમાંથી ૩૦ કિલો હેરોઇન જપ્ત કરાયું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૧૫૦ કરોડ રૂપિયા થાય છે. આ કેસમાં પકડાયેલા પાકિસ્તાની આરોપીઓમાં મુર્તઝા યામીન સિંધી (ઉં.વ. ૩૫), યામીન ઉમર સિંધી (ઉં.વ. ૬૫), મુસ્તફા યામીન સિંધી (ઉં.વ. ૩૩), નસરૂલ્લા યામીન સિંધી (ઉં.વ. ૨base), હુસૈન ઇબ્રાહીમ સિંધી (ઉં.વ. ૬૨), સાલેમામદ અબ્દુલા સિંધી (ઉં.વ. ૭૦), મહમંદ યાસીન મહમંદ ઉર્સ મલ્લા (ઉં.વ. ૩૯) અને રફીક આમદ ઉસ્માનઅલી મુલ્લા (ઉં.વ. ૬૨) નો સમાવેશ થાય છે. આ કેસમાં એટીએસના પીઆઈ વી.બી. પટેલે ગુનો નોંધ્યો હતો અને તપાસના અંતે પીઆઈ વાય.એમ.ગોહીલે ચાર્જશીટ ફાઇલ કરી હતી.
કેસ ૩: અફઘાની કનેક્શન સાથે રૂ.૨૫૦ કરોડનું હેરોઇન જપ્ત (૦૮/૧૦/૨૦૨૨)
ત્રીજા મોટા ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના હૈદરી પોર્ટથી જખૌના દરિયામાં ઘુસાડાતો ડ્રગ્સનો વધુ એક મસમોટો જથ્થો સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં ઝડપી લીધો હતો. આ તપાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલતાં એક અફઘાની નાગરિકની પણ ધરપકડ કરાઈ હતી. જહાજમાંથી ૫૦ કિલો હેરોઇન મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ૨૫૦ કરોડ રૂપિયા થાય છે. આ કેસમાં પાકિસ્તાની આરોપીઓ અલી મોહમદ બચ્ચલ મલ્લા (ઉં.વ. ૪૦), મમતાજ હારુન મલ્લા (ઉં.વ. ૩૦), શેર મોહમદ બશરીયા બડ (ઉં.વ. ૪૦), મોતીયા ઇદ્રીશ મલ્લ્લા (ઉં.વ. ૫૦), ઇબ્રાહીમ યુસુફ સમેજા (ઉં.વ. ૬૮), જાહીદ અબ્દુલ્લા મલ્લા (ઉં.વ. ૨૨) અને અફઘાનિસ્તાનના નાગરિક હેકમતુલ્લા નુરુઉલ્લાહને ઝડપી પડાયા હતા. આ કેસમાં એટીએસના પીઆઈ વી.એન.વાઘેલાએ ફરિયાદ નોંધી હતી અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ સી.એચ. પનારા દ્વારા કોર્ટમાં મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
