News of Monday, 29th June 2026
મહારાષ્ટ્રને હચમચાવનાર નસરાપુર કેસમાં ઐતિહાસિક ચુકાદો : સાડા ત્રણ વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મના ગુનામાં ૬૫ વર્ષના નરાધમ ભીમરાવ કાંબળેને મરણ સુધીની ફાંસી
પુણેની શિવાજીનગર સ્પેશિયલ કોર્ટે ગુનાને 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણાવ્યો : નરાધમ સુધરે તેમ નથી, હત્યા બાદ પણ અત્યાચાર ચાલુ રાખ્યા હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો : ઘટનાના માત્ર ૫૫ જ દિવસમાં કોર્ટે સંભળાવી સજા

પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુર ખાતે સાડા 3 વર્ષની માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારી તેની નિર્મમ હત્યા કરવાના ચકચારી કેસમાં પુણેની શિવાજીનગર સ્પેશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સમગ્ર રાજ્યની નજર જે ચુકાદા પર ટકેલી હતી તે પ્રકરણમાં વિશેષ ન્યાયાધીશ એસ. આર. સાળુંકેની અદાલતે દોષિત ભીમરાવ પ્રભાકર કાંબળેને મરણ સુધી ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ ગુનાને 'રેરેસ્ટ ઓફ ધ રેર' એટલે કે દુલર્ભમાંથી દુર્લભ ગણાવીને નોંધ્યું છે કે, આરોપી સુધરવાની તમામ હદો પાર કરી ચૂક્યો છે અને આવા વાસનાંધ ગુનેગાર પ્રત્યે ઉંમરને આધારે કોઈ દયા દાખવી શકાય નહીં. ચુકાદો સાંભળવા માટે પીડિત બાળકીના માતા-પિતા અને દાદી સહિતના પરિવારજનો કોર્ટમાં હાજર રહ્યા હતા.
હત્યા બાદ પણ અત્યાચાર ચાલુ રાખ્યો, ફાંસી પણ ઓછી પડશે: ન્યાયાધીશ
વિશેષ ન્યાયાધીશ એસ. આર. સાળુંકેએ ચુકાદો વાંચતા જણાવ્યું હતું કે, આ આખું કૃત્ય પૂર્વ-નિયોજિત કાવતરું ઘડીને શાંત મગજે કરવામાં આવ્યું છે, જે ગુનાની ગંભીરતા દર્શાવે છે. બાળકી માત્ર સાડા ત્રણ વર્ષની હતી અને તે પોતાની રક્ષા કરી શકે તેવી સ્થિતિમાં નહોતી. તબીબી તપાસ અને શવપરીક્ષણ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટમાં સાબિત થયું છે કે નરાધમે બાળકીની હત્યા કર્યા બાદ પણ તેના પર લૈંગિક અત્યાચાર ચાલુ રાખ્યો હતો. આરોપીએ બાળકી જીવતી બચે તેવો કોઈ વિકલ્પ જ રાખ્યો નહોતો. ન્યાયાધીશે આક્રોશ સાથે નોંધ્યું હતું કે, આવા કૃત્ય માટે આજીવન કેદ તો શું, ફાંસીની સજા પણ ટૂંકી પડશે.
૬૫ વર્ષની ઉંમરે પણ વાસના અકબંધ, અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ
કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, ભલે આરોપીની ઉંમર ૬૫ વર્ષની છે પરંતુ આ ઉંમરે પણ તેની વાસના અકબંધ છે. આરોપીનો પૂર્વ ઈતિહાસ પણ અત્યંત ગંભીર અને ગુનાહિત રહ્યો છે. તેણે આ અગાઉ ૫૩ વર્ષની ઉंમરે પોતાના જ પરિવારની એક છોકરી પર અત્યાચાર ગુજાર્યો હતો અને એક વૃદ્ધ મહિલા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. ગુનાહિત પૃષ્ઠભૂમિના કારણે તેના મનમાં કાયદાનો કોઈ ડર નહોતો. આ ઘટના બાદ કાયદા પરથી વિશ્વાસ ઉઠી જતાં પીડિત પરિવારે મુંબઈ-બેંગલુરુ હાઈવે જામ કરીને આરોપીને તેમના હવાલે કરવાની માંગ કરી હતી. નિર્ભયા કાંડ બાદ બાળકોની સુરક્ષા માટે કડક કાયદા બન્યા છે અને અદાલત સમાજમાં ઉઠેલા આક્રોશનો આદર કરીને કાયદા મુજબ આ કડક સજા ફટકારી રહી છે.
૫૫ દિવસમાં તપાસથી લઈને સજા સુધીની પ્રક્રિયા પૂર્ણ થઈ
નસરાપુર ખાતે ૧ મે ૨૦૨૬ના રોજ ઘટેલી આ નૃશંસ ઘટના બાદ માત્ર ૧૬ જ દિવસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. પુણે ગ્રામીણ પોલીસે ટૂંકા ગાળામાં તપાસ પૂર્ણ કરીને ૧,૨૦૦ પાનાનું મજબૂત આરોપનામું રજૂ કર્યું હતું. ઘટના બન્યાથી લઈને ગુનેગારને ફાંસીની સજા સંભળાવવા સુધીની સમગ્ર ન્યાયિક પ્રક્રિયા માત્ર ૫૫ દિવસમાં પૂર્ણ થઈ છે, જે દેશના ઇતિહાસમાં આવી ઝડપી સજાની બીજી જ ઘટના માનવામાં આવે છે. આરોપી સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો. કોર્ટે આ ઉત્કૃષ્ટ તપાસ માટે પોલીસ તંત્ર, વિશેષ સરકારી વકીલ અજય મિસર, તબીબો, સાયબર નિષ્ણાતો અને ફોરેન્સિક ટીમની કામગીરીની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
