News of Thursday, 15th October 2026
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૨૭ ઓક્ટોબરથી રેલ્વે કાઉન્ટર ટિકિટ પર પણ મળશે મુસાફરી વીમા કવર
ઓફલાઇન બુકિંગ કરાવતા કરોડો પેસેન્જરોને રાહત: નિર્ધારિત સમયમર્યાદામાં અમલ નહીં થાય તો રેલ્વે બોર્ડ સામે થશે કાર્યવાહી

નવી દિલ્હી: ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા કરોડો પેસેન્જરો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી માત્ર ઓનલાઇન (ઈ-ટિકિટ) બુક કરાવનારા મુસાફરોને જ મુસાફરી વીમા કવર નો વિકલ્પ આપવામાં આવતો હતો, પરંતુ હવે રેલ્વે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી ઓફલાઇન ટિકિટ ખરીદનારા પેસેન્જરોને પણ આ સુવિધાનો લાભ મળશે. સુપ્રીમ કોર્ટના નવા નિર્દેશ હેઠળ આ સુવિધા આવામી ૨૭ ઓક્ટોબર, ૨૦૨૬ થી દેશભરમાં શરૂ થવા જઈ રહી છે.
આ સંદર્ભે ન્યાયાધીશ હસનૈનુદ્દીન અમાનુલ્લાહ અને ન્યાયાધીશ આર. મહાદેવનની પીઠે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં આ સુવિધા લાગુ કરવામાં નહીં આવે, તો રેલ્વે બોર્ડ જવાબદાર રહેશે.
કેન્દ્ર સરકારે અગાઉ મે મહિનામાં કોર્ટને જાણ કરી હતી કે કાઉન્ટર ટિકિટ ધારકો માટે વીમા કવરેજ શરૂ કરવા જરૂરી તૈયારીઓ ચાલી રહી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દિશામાં યોગ્ય પ્રગતિ ન જણાતાં ચિંતા વ્યક્ત કરી હતી અને આખરે ૨૭ ઓક્ટોબરની આખરી સમયમર્યાદા નક્કી કરી દીધી હતી.
રેલ્વે વીમા નીતિ હેઠળ ચોક્કસ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ સામે નાણાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે:બે ટ્રેનોની અથડામણ, ટ્રેન પાટા પરથી ઉતરી જવી અથવા મુસાફરનું અચાનક પડી જવું જેવી ઘટનાઓ
હાલની ઓનલાઇન નીતિ મુજબ કન્ફર્મ, RAC અથવા અંશતઃ કન્ફર્મ ઈ-ટિકિટ ધરાવતા ભારતીય નાગરિકો જ આ કવર મેળવી શકે છે.૫ વર્ષથી ઓછી વયના બાળકો જો રિઝર્વ્ડ સીટ વિના મુસાફરી કરે છે, તો તેમને આવરી લેવામાં આવતા નથી. જ્યારે ૫ થી ૧૧ વર્ષના બાળકો પોલિસીની શરતોને આધીન કવર થાય છે.
ઓનલાઇન બુકિંગમાં પોલિસી સંબંધિત વિગતો મુસાફરોના SMS અને ઈમેલ પર મોકલવામાં આવે છે. પરંતુ ૨૭ ઓક્ટોબરથી કાઉન્ટર ટિકિટ પર આ વીમા કવરેજ કઈ રીતે દાવો કરી શકાશે અને તેના અંતિમ નિયમો શું રહેશે, તે અંગે રેલ્વે મંત્રાલય તરફથી ટૂંક સમયમાં જ વિગતવાર સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
