News of Monday, 13th July 2026
પવિત્ર અમરનાથ યાત્રા હવે બનશે 'ગ્રીન પિલગ્રીમેજ': ૫ લાખ યાત્રાળુઓ દ્વારા ફેલાતા ૪૦૦ ટન કચરામાંથી બનશે વીજળી અને બાયોગેસ!
હિમાલયની પવિત્રતા જાળવવા નવતર પ્રયોગ; પ્લાસ્ટિક મુક્ત યાત્રા માટે વોટર ATM થી લઈને ખચ્ચરના છાણમાંથી બાયો-ફ્યુઅલ સુધીના હાઈટેક પગલાં, દેશ માટે બનશે રોલ મોડેલ.

શ્રીનગર : વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર એવી શ્રી અમરનાથ યાત્રા હવે પર્યાવરણ સુરક્ષાની દિશામાં પણ એક નવો ઇતિહાસ રચી રહી છે. હિમાલયના નાજુક ઇકોસિસ્ટમને બચાવવા માટે આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન કચરા વ્યવસ્થાપનનું એક અત્યાધુનિક મોડેલ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ વર્ષે ૫ લાખથી વધુ યાત્રાળુઓ આવે તેવી ધારણા છે, જેમને કારણે આશરે ૪૦૦ ટન જેટલો કચરો ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ આ વખતે આ કચરો પ્રદૂષણ નહીં, પણ ઉર્જાનો સ્ત્રોત બનશે, જે સમગ્ર દેશ માટે ટકાઉ યાત્રા વ્યવસ્થાપનનો એક મોટો દાખલો બેસાડશે.
પ્લાસ્ટિકના પ્રદૂષણ પર 'સર્જિકલ સ્ટ્રાઈક'
યાત્રા માર્ગને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. યાત્રાળુઓને પ્લાસ્ટિકની બોટલો વાપરતા રોકવા માટે રૂટ પર આઠ ખાસ 'વોટર ATM' સ્થાપિત કરવામાં આવ્યા છે. દરેક ATM દર ૧૨ કલાકે ૬,૦૦૦ લિટર શુદ્ધ પીવાનું પાણી પૂરૂં પાડે છે. આ નાનકડા પગલાથી સમગ્ર યાત્રા દરમિયાન ૩૦ લાખ પ્લાસ્ટિક બોટલોનો કચરો અટકાવી શકાશે. એટલું જ નહીં, પ્રશાસન દ્વારા ૧.૫ લાખ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને જો કોઈ યાત્રાળુ પ્લાસ્ટિક લઈને આવશે તો બેઝ કેમ્પ પર જ તેને બદલીને કાપડની થેલી આપવામાં આવશે.
ખચ્ચરનું છાણ હવે બનશે 'ગ્રીન ફ્યુઅલ'
યાત્રા માર્ગ પર ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ ખચ્ચર દરરોજ મોટા પ્રમાણમાં છાણ ઉત્પન્ન કરે છે, જેની સફાઈ એક મોટો પડકાર હતો. આ વખતે પહેલીવાર આ છાણને એકત્રિત કરવા માટે ખાસ મશીનો મુકાયા છે. આ છાણમાંથી મિથેન ગેસ બનાવીને બાયોગેસ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યા છે. બાલટાલ પ્રદર્શન કેન્દ્રમાં તો 'મિથેન સંચાલિત દીવો' પણ પ્રગટાવવામાં આવ્યો છે, જે યાત્રાળુઓ માટે આશ્ચર્ય અને પ્રેરણાનું કેન્દ્ર બન્યો છે. સ્વાહા મેનેજમેન્ટ નામની ઇન્દોર સ્થિત સંસ્થા આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન કરી રહી છે, જે યાત્રા પૂર્ણ થયા બાદ ટ્રેકને સંપૂર્ણપણે કચરામુક્ત કરીને જ પરત ફરશે.
જાગૃતિ માટે સંસ્કૃતિનો સહારો
યાત્રાળુઓના માનસપટલ પર અસર કરવા માટે માત્ર કાયદા નહીં, પણ લોકશિક્ષણનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. યાત્રાના બંને રૂટ પર શેરી નાટકો અને પપેટ શો દ્વારા પ્રકૃતિને બચાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. દુકાનદારોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ ફક્ત સ્ટીલના વાસણોનો જ ઉપયોગ કરે. ડૉ. સમીર શર્માના જણાવ્યા અનુસાર, જો આ વર્ષે અમરનાથ યાત્રા 'ઝીરો-લેન્ડફિલ' (જ્યાં જમીન પર કચરો ન ફેંકાય) પ્રાપ્ત કરવામાં સફળ રહેશે, તો તે ભારતની ધાર્મિક યાત્રાઓ માટે એક નવો સુવર્ણ માપદંડ સ્થાપિત કરશે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
