News of Friday, 17th April 2026
લોકસભામાં મહિલા અનામત બિલ અટકતા ગૃહમંત્રી અમિત શાહ લાલઘૂમ : વિપક્ષના આકરા વિરોધને ‘નારી શક્તિનું અપમાન’ ગણાવ્યું
કોંગ્રેસ, TMC અને સપાએ 33 ટકા અનામતના અધિકારને રોક્યો હોવાનો ગૃહમંત્રીનો આક્ષેપ : બંધારણીય સુધારા માટે જરૂરી 2/3 બહુમતી ન મળતા બિલ પરાજિત : વિપક્ષને મહિલાઓના રોષનો સામનો કરવા તૈયાર રહેવા ચેતવણી

નવી દિલ્હી:લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત 131મું બંધારણીય સુધારો બિલ પસાર ન થઈ શકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. આ ઘટનાને ‘નારી શક્તિનું અપમાન’ ગણાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની માનસિકતા મહિલા વિરોધી છે. વિપક્ષે એકજુટ થઈને આ મહત્વપૂર્ણ સુધારાને અટકાવ્યો હોવાથી હવે દેશની મહિલાઓ લોકસભા અને વિધાનસભાઓમાં તેમનો કાયદેસરનો હક મેળવવાથી વંચિત રહેશે.
મતદાનનું ગણિત અને બિલની નિષ્ફળતા:
બંધારણીય સુધારા માટે ગૃહમાં હાજર સભ્યોની બે-તૃતીયાંશ (2/3) બહુમતી હોવી અનિવાર્ય છે. આ બિલના પક્ષમાં 298 મતો પડ્યા હતા, જ્યારે વિરોધમાં 230 મતો પડ્યા હતા. કુલ 528 સભ્યોના મતદાન મુજબ બિલ પસાર કરવા માટે 352 મતોની જરૂર હતી, જે આંકડો સરકાર મેળવી શકી નહોતી. જોકે બિલને સામાન્ય બહુમતી મળી હતી, પરંતુ વિશેષ બહુમતીના અભાવે તે કાયદો બની શક્યું નથી. આ બિલ અંતર્ગત લોકસભાની બેઠકો 543 થી વધારીને 850 કરવાની અને મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈ હતી.
અમિત શાહનો વિપક્ષ પર પ્રહાર:
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમિત શાહે લખ્યું કે, “આજે લોકસભામાં અત્યંત વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું. કોંગ્રેસ, TMC, DMK અને સમાજવાદી પાર્ટીએ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે જરૂરી સુધારાને પસાર થવા દીધો નથી. બિલને નકારી કાઢ્યા બાદ વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવેલી ઉજવણી અને વિજયના નારા અત્યંત શરમજનક છે.” તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે વિપક્ષને માત્ર 2029ની લોકસભા ચૂંટણીમાં જ નહીં, પરંતુ દરેક સ્તરે મહિલાઓના રોષનો સામનો કરવો પડશે.
વિપક્ષનો તર્ક અને વિરોધ:
બીજી તરફ, વિપક્ષી દળોએ સીમાંકન બિલનો સખત વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે આ બિલ મહિલા સશક્તિકરણ માટે નહીં, પરંતુ ભારતનો ચૂંટણી નકશો બદલવા માટેનો પ્રયાસ છે. વિપક્ષી નેતાઓની માંગ હતી કે બેઠકો વધારવાની રાહ જોયા વગર હાલની બેઠકો પર જ મહિલા અનામત તાત્કાલિક લાગુ કરવામાં આવે. લગભગ 130 સભ્યોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો. પ્રથમ બિલ અટકી પડતા કેન્દ્ર સરકારે સીમાંકન અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય બે બિલો પણ પાછા ખેંચ્યા હતા, કારણ કે તે મુખ્ય કાયદા સાથે જોડાયેલા હતા. આ કાયદાકીય અવરોધને કારણે 2029 પૂર્વે મહિલા અનામત અમલી બનાવવાની સરકારની યોજના પર અત્યારે અનિશ્ચિતતાના વાદળો છવાઈ ગયા છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
