News of Thursday, 9th July 2026
દેશની સરહદોને અભેદ્ય બનાવવા દિલ્હીમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહનું હાઈ-લેવલ મંથન: સરહદી જિલ્લાના તમામ SP સાથે સુરક્ષા વ્યવસ્થાની સર્વાંગી સમીક્ષા
ઘૂસણખોરી, ડ્રોન થ્રેટ અને સરહદી વિસ્તારોમાં બદલાતી વસ્તી વિષયક (ડેમોગ્રાફી) ગંભીર ચિંતાનો વિષય: આંતરરાષ્ટ્રીય સરહદો પર ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં

નવી દિલ્હી: દેશની બાહ્ય સુરક્ષા અને સરહદી પ્રદેશોની કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ-લેવલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ સંમેલનમાં દેશના તમામ સંવેદનશીલ સરહદી જિલ્લાઓના પોલીસ અધિક્ષકો (SPs) એ ભાગ લીધો હતો. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોમાં પ્રવર્તમાન સુરક્ષા પડકારોનું ચોક્કસ મૂલ્યાંકન કરવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાના માળખાને અભેદ્ય બનાવવાનો છે. આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં ગૃહ મંત્રાલયના ટોચના વરિષ્ઠ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર-પૂર્વીય રાજ્યો જેવા સરહદી પ્રદેશોના પોલીસ વડાઓએ ભૂરાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. હાલમાં દેશના પૂર્વીય ભાગોમાં આંતરરાષ્ટ્રીય સરહદો પરથી થતા ગેરકાયદેસર ઇમિગ્રેશન (ગેરકાયદે વસવાટ) ને રોકવા માટે કેન્દ્ર સરકારે એક સઘન અભિયાન શરૂ કર્યું છે, તેવા સમયે આ બેઠક વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. સરહદી જિલ્લાઓમાં વસ્તી વિષયક રચના (ડેમોગ્રાફિક પ્રોફાઇલ) ને બદલવાના થઈ રહેલા સંગઠિત પ્રયાસો સામે ગૃહ મંત્રાલયે લાલ આંખ કરી છે.
ડ્રોન આતંક અને ડ્રગ્સ સ્મગલિંગ પર કડક નજર:
આ બેઠકમાં માત્ર ઘૂસણખોરી જ નહીં, પરંતુ સરહદ પારથી આવતા આધુનિક પડકારો જેમ કે 'ડ્રોન થ્રેટ' (ડ્રોન દ્વારા હથિયારો કે સામગ્રી મોકલવી) અને માદક દ્રવ્યોની હેરફેર (ડ્રગ્સ ટ્રાફિકિંગ) પર વિગતવાર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દેશના વિભિન્ન સરહદી ભાગોમાં થઈ રહેલા વસ્તી વિષયક ફેરફારોની ચોક્કસ હદ અને તેના માટે જવાબદાર પરિબળોની તપાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા થોડા મહિના પહેલા જ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી, જેના રિપોર્ટ અને આગામી કડક પગલાંઓની પૃષ્ઠભૂમિમાં આ સંમેલન યોજાયું છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
