News of Wednesday, 16th September 2026
ગૃહ મંત્રાલયનો દેશદ્રોહીઓ સામે આકરો પ્રહાર: સરહદ પારથી ડ્રગ્સ-હથિયારોની તસ્કરી કરતા 'શહેઝાદ ભટ્ટી નેટવર્ક' ને UAPA હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરાયું!
ભારતીય યુવાનોનું કટ્ટરપંથીકરણ અને લોકશાહી માળખાને નુકસાન પહોંચાડવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ખુલ્લું પડ્યું: પીએમ મોદીની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ કેન્દ્ર સરકારની લાલ આંખ

નવી દિલ્હી, તા.૧૬: ભારતની આંતરિક સુરક્ષા, સાંપ્રદાયિક સદભાવ અને દેશની એકતાને જોખમમાં મૂકતા આતંકવાદી નેટવર્ક્સ સામે કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ અને કાનૂની બુલડોઝર ફેરવી દીધું છે. બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (MHA) અત્યંત કડક 'ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ' (UAPA) હેઠળ 'શહેઝાદ ભટ્ટી નેટવર્ક' (SBN) ને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. આ નેટવર્ક પાકિસ્તાન અને અન્ય સરહદો પારથી ભારતમાં ગેરકાયદેસર શસ્ત્રો, વિસ્ફોટકો અને માદક દ્રવ્યોની તસ્કરીમાં લિપ્ત હોવાના પુરાવા મળ્યા હતા.
ગૃહ મંત્રી કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારની આતંકવાદ પ્રત્યેની 'ઝીરો ટોલરન્સ' નીતિનું પ્રત્યક્ષ પરિણામ છે.
ભોળા યુવાનો અને નાના ગુનેગારોનું બ્રેઈનવોશિંગ
ગૃહ મંત્રાલયે જારી કરેલા સત્તાવાર નિવેદન મુજબ, શહેઝાદ ભટ્ટી નેટવર્ક માત્ર સામાન્ય આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ પૂરતું સીમિત નહોતું, પરંતુ તે ભારતના ભોળા તથા આર્થિક રીતે નબળા યુવાનો અને સ્થાનિક નાના ગુનેગારોને કટ્ટરપંથી બનાવીને પોતાની ઝાળમાં ફસાવતું હતું. આ સંગઠન દ્વેષપૂર્ણ ડિજિટલ કન્ટેન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા ભારતીય લોકશાહી વ્યવસ્થા, સામાજિક માળખા અને દેશના બંધારણીય મૂલ્યોને નિશાન બનાવવાની મોટી સાજિશ રચી રહ્યું હતું.
UAPA હેઠળ મળ્યા સખત કાનૂની અધિકારો
UAPA હેઠળ શહેઝાદ ભટ્ટી નેટવર્કને આતંકવાદી સંગઠન જાહેર કરાતાં જ હવે ભારતીય તપાસ એજન્સીઓ (જેવી કે NIA, IB અને સ્થાનિક પોલીસ) ને આ સિન્ડિકેટ સાથે જોડાયેલા તમામ સભ્યો, તેમની સંપત્તિઓ જપ્ત કરવા અને તેમના તમામ બેંક ખાતાઓ સીલ કરવા માટે અમર્યાદિત કાનૂની સત્તાઓ પ્રાપ્ત થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે વિદેશી ધરતી પરથી ચાલતા આવા તમામ દેશવિરોધી નેટવર્ક્સને કડક ચેતવણી આપતાં સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કરનાર કોઈપણ સંગઠનને આક્રમક રીતે નાબૂદ કરવામાં આવશે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
