News of Wednesday, 27th May 2026
ન્યૂયોર્કમાં મકાનમાલિકો પર આફત: મેયર મામદાનીની 'આક્રમક' હાઉસિંગ યોજના, હવે ભાડૂતો બનશે મિલકતના નવા માલિકો!
બેદરકાર મકાનમાલિકોની હવે ખેર નથી; ખરાબ હાલતમાં રહેલી ઇમારતોને જપ્ત કરી ભાડૂતો, ટ્રસ્ટ કે બિનનફાકારક સંસ્થાઓને સોંપવાની તૈયારી, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે વિરોધ

ન્યૂયોર્ક | તા. 27: ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મામદાનીએ મંગળવારે એક એવી હાઉસિંગ યોજના રજૂ કરી છે જેણે આખા શહેરના રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાની ૧૧૧ પાનાની 'બ્લોક બાય બ્લોક' હાઉસિંગ યોજના દ્વારા મામદાનીએ ખરાબ મકાનમાલિકોને સીધી ચેતવણી આપી છે. આ યોજના મુજબ, જે મકાનમાલિકો પોતાની ઇમારતોની લાંબા સમયથી અવગણના કરી રહ્યા છે, તેમની પાસેથી મિલકતો જપ્ત કરીને તેને 'જવાબદાર કારભારીઓ' – જેમાં ભાડૂતો, બિનનફાકારક સંસ્થાઓ કે કોમ્યુનિટી લેન્ડ ટ્રસ્ટનો સમાવેશ થાય છે – તેમને માલિકી ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
સામાજિક હાઉસિંગનું નવું મોડેલ કે વર્ગ યુદ્ધ?
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ૧૦ વર્ષમાં ૨ લાખ નવા સસ્તા ઘરો બનાવવાનો અને બીજા ૨ લાખ ઘરોને સ્થિર કરવાનો છે. આ માટે શહેર દ્વારા ૨૨ અબજ ડોલરનું જંગી ભંડોળ ફાળવવામાં આવશે. મેયરની આ યોજના મુજબ, સૌથી ગરીબ ભાડૂતોએ તેમની આવકના ૨૫% થી વધુ ભાડું ચૂકવવું નહીં પડે. જોકે, આ યોજનામાં કામદારો માટે પ્રતિ કલાક ૪૦ ડોલરનું લઘુત્તમ વેતન લાદવાની અને ખાનગી વેચાણ સમયે બિનનફાકારક સંસ્થાઓને પ્રાથમિકતા આપવાની જોગવાઈઓએ રિયલ એસ્ટેટ અને બિઝનેસ નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે.
યોજના પર વિવાદનો વંટોળ:
આજે આ યોજના સામે વિરોધના સૂર તીવ્ર બન્યા છે. નાના મિલકત માલિકોના સંગઠને આને 'રાજકીય દાવપેચ' ગણાવી છે. તેમનું માનવું છે કે, આ યોજનાથી ભાડૂતો અને મકાનમાલિકો વચ્ચેનો સંબંધ વધુ બગડશે અને નાના મિલકત માલિકો બરબાદ થઈ જશે. ન્યૂયોર્કના સ્મોલ પ્રોપર્ટી ઓનર્સ બોર્ડના પ્રમુખ એન કોર્ચકે તો સીધો આક્ષેપ કર્યો છે કે, "આ આવાસને સામાજિક બનાવવાનું બહાનું છે, જે વાસ્તવમાં ખાનગી મિલકત હડપવાનું ષડયંત્ર છે."
શું છે મુખ્ય જોખમો?
ટીકાકારોનું કહેવું છે કે મામદાનીની આ ડાબેરી વિચારધારા ન્યૂયોર્ક જેવા મોંઘા શહેરમાં રોકાણકારોને ડરાવી શકે છે. નવા નિયમોને કારણે વિકાસકર્તાઓ શહેરના વાતાવરણમાં રોકાણ કરતા ખચકાશે, જેનાથી ૨ લાખ સસ્તા ઘર બનાવવાનું લક્ષ્ય પણ જોખમમાં મુકાઈ શકે છે. બીજી તરફ, મેયરના વહીવટીતંત્રનું માનવું છે કે ભાડૂતોનું સશક્તિકરણ એ જ આ શહેરની સાચી જરૂરિયાત છે. હવે જોવાનું એ રહેશે કે આ ભાડૂઆત-લક્ષી નીતિ શહેરના હાઉસિંગ માર્કેટમાં ક્રાંતિ લાવે છે કે પછી વધુ એક કાનૂની જંગમાં ફસાય છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
