News of Tuesday, 14th July 2026
હોર્મુઝ સંકટ: પર્સિયન ગલ્ફમાં યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ફસાયા ૭ ભારતીય જહાજો : ૧૪૮ ખલાસીઓના જીવ અધ્ધર
અમેરિકા અને ઈરાન વચ્ચેના લશ્કરી તણાવથી દરિયાઈ વેપાર ખોરવાયો : ઓમાન નજીક યુએઈના બે ઓઈલ ટેન્કરો પર ઈરાનનો મિસાઈલ હુમલો : એક ભારતીય નાવિક શહીદ થતાં ભારતીય દૂતાવાસ હાઈ એલર્ટ પર

નવી દિલ્હી: પશ્ચિમ એશિયા માં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો ભયાનક લશ્કરી તણાવ હવે આંતરરાષ્ટ્રીય શિપિંગ અને વેપાર માટે કાળ સાબિત થઈ રહ્યો છે. વિશ્વના સૌથી વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા ૭ ભારતીય ધ્વજવાળા જહાજો પર્સિયન ગલ્ફમાં જ ફસાઈ ગયા છે. આ જહાજો પર સવાર અંદાજે ૧૪૮ ભારતીય ખલાસીઓના જીવ અત્યારે ભારે જોખમમાં મુકાયા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ જહાજો માટે હાલ પૂરતું આ ખતરનાક ક્ષેત્ર છોડવું અશક્ય બન્યું છે અને તેઓ દરિયાની વચ્ચે જ તણાવ ઓછો થવાની રાહ જોઈ રહ્યા છે.
આ ભૌગોલિક રાજકીય સંકટ વચ્ચે મંગળવારે સવારે દરિયામાં એક લોહિયાળ ઘટના સામે આવી છે. ઓમાન નજીક હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ શિપિંગ લેનમાંથી પસાર થઈ રહેલા સંયુક્ત આરબ અમીરાત ના બે વ્યાપારી જહાજો પર ઈરાન દ્વારા ક્રુઝ મિસાઈલો છોડવામાં આવી હતી. આ ભયાનક મિસાઈલ હુમલા બાદ બંને ટેન્કરોમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને જહાજોના કાર્ગોને ભારે નુકસાન થયું હતું. અત્યંત દુઃખદ બાબત એ છે કે આ હુમલામાં મોમ્બાસા ટેન્કર પર તૈનાત એક ભારતીય નાવિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ૮ ખલાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં ૬ ભારતીયોનો સમાવેશ થાય છે.
આ હુમલાના બે દિવસ પહેલા જ ઈરાને અન્ય એક કન્ટેનર જહાજ GFS ગેલેક્સીને નિશાન બનાવ્યું હતું, જેમાં પણ એક ભારતીય ક્રૂ મેમ્બર ગુમ થયો હતો. આ શ્રેણીબદ્ધ હુમલાઓને પગલે UAE ના સંરક્ષણ મંત્રાલયે ઈરાનની સખત નિંદા કરીને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. બીજી તરફ, UAE સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાવિકના મૃત્યુ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં રહીને બાકીના ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોનિટરિંગ કડક કરી દીધું છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
