<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

હોર્મુઝમાં ભયાનક તણાવ: અમેરિકા, ઈરાન કે 'ઈસ્લામિક નાટો', મધ્ય પૂર્વમાં કટોકટીનો સાચો ખલનાયક કોણ?

રાહુ અને કેતુનો પડછાયો લાલ સમુદ્ર સુધી ફેલાયો: તેલના ભંડારો ખાલી થવાના આરે પહોંચતા સમગ્ર વિશ્વમાં ઉર્જા કટોકટી અને આર્થિક મહામંદીની ઘેરી ભીતિ

દુબઈ : વૈશ્વિક ઉર્જા સપ્લાયની સૌથી મહત્વપૂર્ણ જીવાદોરી ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધના કાળા વાદળો ઘેરા બની રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો સીધો મુકાબલો હવે માત્ર બે દેશો પૂરતો મર્યાદિત ન રહેતા સમગ્ર વિશ્વ માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ રહ્યો છે. ઈરાન દરિયાઈ માર્ગ પર પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે કડક અવરોધો ઊભા કરી રહ્યું છે, જ્યારે અમેરિકાએ કડક નાકાબંધી અને 20 ટકા ટેરિફ જેવા આકરા આર્થિક દબાણ દ્વારા તેહરાનને ઘૂંટણિયે લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) ની ગંભીર ચેતવણી મુજબ, વૈશ્વિક તેલ ભંડારો ઝડપથી ખાલી થઈ રહ્યા છે, જેના કારણે ઈંધણના ભાવ આસમાને પહોંચવાની અને સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો વિસ્ફોટ થવાની ભીતિ સર્જાઈ છે.

આ પ્રાદેશિક સંકટમાં ત્યારે નવો અને વધુ ખતરનાક વળાંક આવ્યો જ્યારે ઈરાને લાલ સમુદ્રમાં બાબ-અલ-મંડેબ માર્ગને લક્ષ્ય બનાવવા હુથી વિદ્રોહીઓને સક્રિય કર્યા છે. દરમિયાન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ મક્કા ખાતે એક ઈતિહાસિક સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરીને 'ઈસ્લામિક નાટો' તરીકે ઓળખાતા નવા લશ્કરી જોડાણની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ કોઈ એક દેશ પરનો હુમલો તમામ દેશો પરનો હુમલો ગણાશે. પરંતુ નિષ્ણાતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ નવું જોડાણ દરિયાઈ સપ્લાય ચેઈનની સુરક્ષામાં મદદરૂપ થશે કે પ્રદેશમાં સૈન્ય તણાવને વધુ ભડકાવવાનું કામ કરશે.

બીજી તરફ, ઈરાને હોર્મુઝ માર્ગને જ પોતાનું સૌથી મોટું શસ્ત્ર બનાવી લીધું છે. ઈરાની સંસદે દુશ્મન દેશોના જહાજો પર બાન મૂકવા અને ભારે દંડ વસૂલવાનો કાયદો તૈયાર કર્યો છે, જ્યારે રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા દરિયાઈ માર્ગોમાં માઇન્સ બિછાવીને મુક્ત શિપિંગમાં અવરોધો ઊભા કરવામાં આવ્યા છે. જોકે, ઈરાન અને ઓમાન વચ્ચે ચોક્કસ શિપિંગ રૂટ અંગે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ અમેરિકા અને તેના સહયોગીઓ કોઈ પણ કાળે ઈરાનના એકચક્રી શાસનને સ્વીકારવા તૈયાર નથી. બંને મહાસત્તાઓની જિદ્દ અને શક્તિ પ્રદર્શન વચ્ચે હોર્મુઝથી લઈને લાલ સમુદ્ર સુધીનો આખો દરિયાઈ માર્ગ હવે ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે તેવા બારૂદના ઢગલા પર આવીને ઊભો છે.

(7:40 PM IST)