<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાટાઉ જ્વાળામુખીનો ભયાનક વિસ્ફોટ: રાખના વાદળોથી આકાશ ઘેરાતાં જકાર્તા એરપોર્ટ બંધ, ૪૬૭ ફ્લાઇટ્સ રદ અને ૧.૫ લાખ મુસાફરો રઝળ્યા!

૫૦,૦૦૦ ફૂટ ઊંચાઈ સુધી ફેલાઈ જ્વાળામુખીની ભસ્મ; સુમાત્રા અને જાવા ટાપુ પર હાઇ એલર્ટ વચ્ચે વિમાની સેવાઓ ઠપ થતાં વૈશ્વિક પ્રવાસીઓ મુશ્કેલીમાં

જકાર્તા : ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાટાઉ (Anak Krakatau) જ્વાળામુખી અચાનક અત્યંત સક્રિય થઈને ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. જ્વાળામુખીમાંથી નીકળેલા ધુમાડા અને ઝેરી રાખના વિશાળ વાદળો આકાશમાં આશરે ૫૦,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી ફેલાઈ જતાં હવાઈ વાહતુક સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. સુરક્ષાના કારણોસર રાજધાની જકાર્તાના મુખ્ય સોએકાર્નો-હટ્ટા આંતરરાષ્ટ્રીય વિમાનમથક સહિત દેશના કુલ ૮ એરપોર્ટ પરથી તમામ ઉડ્ડયનો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે.

 

એરનેવ ઇન્ડોનેશિયાના અહેવાલ મુજબ, આ કુદરતી આફતને કારણે માત્ર જકાર્તા એરપોર્ટ પર જ ૪૬૭ ફ્લાઇટ્સ રદ અથવા ડાયવર્ટ કરવી પડી છે, જેનાથી આશરે ૧,૫૦૦,૦૦૦ (૧.૫ લાખ) જેટલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરો એરપોર્ટ પર જ રઝળી પડ્યા છે. અનાક ક્રાકાટાઉ જ્વાળામુખીમાંથી લાલચોળ લાવા અને ધગધગતા ખડકો બહાર ફેંકાઈ રહ્યા છે. જોકે, સદનસીબે નજીકની માનવ વસાહત ૧૬ કિલોમીટર દૂર હોવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પ્રશાસને ખાડાની આસપાસના ૩ કિલોમીટરના વિસ્તારમાં જવા પર સખત મનાઈ ફરમાવી દીધી છે.

 

ઉલ્લેખનીય છે કે, 'ક્રાકાટાઉનું ચાઈલ્ડ' ગણાતો આ જ્વાળામુખી ૧૮૮૩ ના ઐતિહાસિક અને પ્રલયંકરી વિસ્ફોટ માટે જાણીતા ક્રાકાટાઉનો જ ભાગ છે. ૨૦૧૮ માં પણ આ જ્વાળામુખી ફાટવાના કારણે દરિયાઈ ભૂસ્ખલન થતાં ભયાનક સુનામી આવી હતી, જેમાં ૪૩૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને વાતાવરણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી હવાઈ સેવાઓ પૂર્વવત થવાની કોઈ શક્યતા દેખાતી નથી.

(6:26 PM IST)