<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

લંડનની નાઈટક્લબ બહાર ખૌફનાક મંજર: પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર ક્લાઉડિયા પર કાર ચઢાવી દેનાર પૂર્વ 'X ફેક્ટર' ફાઇનલિસ્ટની હત્યાના પ્રયાસ બદલ ધરપકડ

સવારે ૪ વાગ્યે નજીવી દલીલ બાદ ભયાનક હુમલો; કાળી મર્સિડીઝ નીચે કચડાયેલી ક્લાઉડિયાની હાલત ગંભીર, ડ્રિંક એન્ડ ડ્રાઈવના નશામાં ચૂર સિંગર સામે પોલીસની કડક કાર્યવાહી

લંડન:  લંડનના હૃદય સમાન સોહો વિસ્તારમાં રવિવારની વહેલી સવારે એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના બની છે. ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક સ્ટાર ક્લાઉડિયા ઝાક્રઝેવસ્કા (ક્લાઉડિયાગ્લામ) પર એક કાળી મર્સિડીઝ કાર ચઢાવી દેવામાં આવી હતી. આ હુમલો કરનાર બીજી કોઈ નહીં પણ ૨૦૧૩ની પ્રખ્યાત રિયાલિટી શો 'ધ એક્સ ફેક્ટર'ની ફાઇનલિસ્ટ અને ઇન્ફ્લુએન્સર ગેબ્રિયલ કેરિંગ્ટન હોવાનું બહાર આવ્યું છે. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, ગેબ્રિયલની હત્યાના પ્રયાસ અને ખતરનાક ડ્રાઇવિંગના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
દલીલબાજી લોહીયાળ જંગમાં ફેરવાઈ
આ ઘટના રવિવારે વહેલી સવારે ૪:૩૦ વાગ્યે 'ઇન્કા નાઇટક્લબ'ની બહાર બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ક્લબની બહાર ગેબ્રિયલ અને ક્લાઉડિયા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દલીલ એટલી વધી ગઈ કે ગુસ્સામાં પાગલ થયેલી ગેબ્રિયલે પોતાની મર્સિડીઝ કાર લોકોના ટોળા પર ચઢાવી દીધી હતી. વાયરલ થયેલા ભયાનક વીડિયોમાં જોઈ શકાય છે કે ક્લાઉડિયા કારની નીચે ફસાઈ જાય છે અને આસપાસના લોકો મદદ માટે બૂમો પાડે છે.
નિર્દોષ રાહદારીઓ પણ બન્યા શિકાર
આ હુમલામાં માત્ર ક્લાઉડિયા જ નહીં, પણ અન્ય બે લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. રસ્તા પર પોતાનું ઈ-સ્કૂટર ખોલી રહેલા ૫૦ વર્ષના એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જે કદાચ તેમનું જીવન બદલી નાખનારી સાબિત થઈ શકે છે. અન્ય એક ૩૦ વર્ષીય મહિલાને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગેબ્રિયલ કેરિંગ્ટન દારૂના નશામાં ધૂત હતી.
કોણ છે આ બંને સ્ટાર્સ?
હુમલાખોર ગેબ્રિયલ કેરિંગ્ટન (RIELLEUK) ૨૦૧૩માં ગર્લ બેન્ડ 'મિસ ડાયનામિક્સ'નો ભાગ હતી અને ગેરી બાર્લો જેવા જજને પ્રભાવિત કરી ફાઇનલ સુધી પહોંચી હતી. બીજી તરફ, ઇજાગ્રસ્ત ક્લાઉડિયા પોલેન્ડની વતની છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર ૨.૫ લાખથી વધુ ફોલોઅર્સ છે. બંને સોશિયલ મીડિયાની દુનિયામાં જાણીતા ચહેરા છે, જેના કારણે આ ઘટનાએ આખા લંડનમાં ચકચાર જગાડી છે.
પોલીસની તપાસ તેજ
ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર એલિસન ફોક્સવેલે જણાવ્યું કે આ આતંકવાદી હુમલો નથી પરંતુ અંગત અદાવત અથવા રોડ રેજનો કિસ્સો છે. પોલીસે ક્લબની બહાર હાજર રહેલા અન્ય લોકો પાસે પણ સીસીટીવી ફૂટેજ કે માહિતી હોય તો આગળ આવવા અપીલ કરી છે. હાલમાં ક્લાઉડિયા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

(9:24 PM IST)