તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ઓપરેશન સિંદૂરની ધાક: પાકિસ્તાને દિલ્હીને નિશાન બનાવી છોડી હતી બેલિસ્ટિક મિસાઇલ, સિરસામાં ભારતીય વાયુસેનાએ હવામાં જ ફુંકી મારી!
એર કોમોડોર રોહિત કપિલની ટીમે રચ્યો ઈતિહાસ: બરાક-૮ સિસ્ટમથી પાકિસ્તાની ‘શાહીન’ના ટુકડા કરી દિલ્હી પરનું મોટું સંકટ ટાળ્યું:જાણો પહેલગામ હુમલાના બદલાની એ ખૌફનાક રાતની કહાની

સિરસા:ભારતીય વાયુસેનાના શૌર્ય અને અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે દેશની સરહદો અને આકાશ અભેદ્ય છે. આજે ૨૨ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલાની વરસી નિમિત્તે ‘ઓપરેશન સિંદૂર’ ની એ રોમાંચક વિગતો સામે આવી છે, જેણે ગયા વર્ષે પાકિસ્તાનના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. જ્યારે પાકિસ્તાને ભારતની રાજધાની દિલ્હીને તબાહ કરવા માટે બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી, ત્યારે સિરસા એરબેઝના જબાઝોએ તેને હવામાં જ તોડી પાડી હતી.
ગયા વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો. પહેલગામમાં ૨૬ નિર્દોષ ભારતીયોની હત્યાનો બદલો લેવા ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ બ્રહ્મોસ મિસાઇલોથી પાકિસ્તાની એરબેઝ અને આતંકવાદી ઠેકાણાઓને ધમરોળ્યા હતા. આ આક્રમણથી ગભરાઈને પાકિસ્તાને દિલ્હી તરફ તેની ઘાતક ‘શાહીન’ અથવા ‘ફતહ’ બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી. જોકે, પાકિસ્તાનની આ ગુસ્તાખી હરિયાણાના સિરસા સુધી જ પહોંચી શકી હતી.
સિરસા સ્થિત ૪૫ વિંગના કમાન્ડિંગ ઓફિસર એર કોમોડોર રોહિત કપિલના નેતૃત્વમાં વાયુસેનાની ટીમે આ મિસાઇલને ટ્રેક કરી હતી. પળવારનો પણ વિલંબ કર્યા વગર, તેમણે ભારતની શક્તિશાળી ‘બરાક-૮’ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો. સેકન્ડોમાં જ ભારતીય ઇન્ટરસેપ્ટરે પાકિસ્તાની મિસાઇલને હવામાં જ નષ્ટ કરી દીધી. આ અપ્રતિમ બહાદુરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોહિત કપિલને ‘યુદ્ધ સેવા મેડલ’ થી નવાજ્યા છે.
આ ઘટના એટલી તીવ્ર હતી કે પાકિસ્તાની મિસાઇલનો કાટમાળ સિરસાના આસપાસના વિસ્તારોમાં મળી આવ્યો હતો. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જે ભારતની મજબૂત હવાઈ સંરક્ષણ ક્ષમતાની સાક્ષી પૂરે છે. એર કોમોડોર કપિલ, જે પોતે Su-30MKI ના નિષ્ણાત પાઇલટ છે, તેમની વ્યૂહરચનાએ લાખો લોકોના જીવ બચાવ્યા હતા.
ભારત હવે પોતાની સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવી રહ્યું છે. ‘સુદર્શન’ કાર્યક્રમ હેઠળ S-400, બરાક-૮ અને સ્વદેશી ઇન્ટરસેપ્ટર મિસાઇલોને એકીકૃત કરવામાં આવી રહી છે. સિરસાની આ ઘટના આધુનિક યુદ્ધમાં ભારતની સતર્કતા અને તકનીકી કૌશલ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
