<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

“આ કાયદેસર કેવી રીતે હોઈ શકે?”: હાઉસિંગ સોસાયટીના રાત્રે ૧૦ વાગ્યા પછી મહેમાનો પરના પ્રતિબંધથી ભડકી ઉર્ફી જાવેદ; મુંબઈ પોલીસ અને BMC પાસે માંગી સ્પષ્ટતા

ઉર્ફીનો ચોંકાવનારો દાવો: સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ્સે તેના મહેમાનોને ઘરમાં પ્રવેશતા શારીરિક રીતે રોક્યા; સોશિયલ મીડિયા પર સોસાયટીના અતરંગી નિયમો સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

મુંબઈ : પોતાના અતરંગી ફેશન સ્ટેટમેન્ટ માટે અવારનવાર ચર્ચામાં રહેતી અને રિયાલિટી શો સ્ટાર ઉર્ફી જાવેદ ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાઈ છે. આ વખતે વિવાદ કોઈ કપડાં કે સ્ટેટમેન્ટને લઈને નહીં પરંતુ તેની પોતાની હાઉસિંગ સોસાયટીના વિવાદાસ્પદ નિયમોને લઈને ઊભો થયો છે. ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવતા દાવો કર્યો છે કે તેની સોસાયટીએ રાત્રે ૧૦ વાગ્યા પછી કોઈ પણ મહેમાનના પ્રવેશ પર સખત પ્રતિબંધ મૂકી દીધો છે અને તેના મહેમાનોને શારીરિક રીતે પ્રવેશતા રોકવામાં આવ્યા છે.

 

ઉર્ફીએ પોતાના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર આ અંગે ગંભીર સવાલો ઉઠાવતા મુંબઈ પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને ટેગ કર્યા હતા. તેણે લખ્યું, "મારી સોસાયટીમાં એક નવો અજીબ નિયમ બનાવાયો છે કે રાત્રે ૧૦ વાગ્યા પછી કોઈ પણ મહેમાનને અંદર આવવા દેવામાં આવશે નહીં. શૂટિંગ કે ઈન્ટરવ્યુ માટે પણ માલિકના અગાઉથી ઈમેઈલ વિના કોઈને મંજૂરી નથી. તેઓએ મારા ઘરે આવતા લોકોને શારીરિક રીતે રોક્યા છે. આ કાયદેસર કેવી રીતે હોઈ શકે? તમે કોઈના ખાનગી ઘર કે પરિસરમાં પ્રવેશતા લોકોને આ રીતે કેવી રીતે રોકી શકો?"

 

પાર્ટીઓ કે મોટેથી મ્યુઝિકના આરોપો ફગાવ્યા

 

ઉર્ફીની આ પોસ્ટ પર નેટીઝન્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. એક યુઝરે આશંકા વ્યક્ત કરી હતી કે ઘરમાં મોટેથી સંગીત વાગતું હોવા કે વારંવાર લેટ નાઈટ પાર્ટીઓને કારણે સોસાયટીના અન્ય સભ્યો પરેશાન થયા હોઈ શકે છે. આ આરોપનો તાત્કાલિક જવાબ આપતા ઉર્ફીએ કહ્યું હતું કે, "મારા ઘરમાં ક્યારેય કોઈ લેટ નાઈટ પાર્ટીઓ થઈ નથી કે મોટેથી મ્યુઝિક વગાડવામાં આવ્યું નથી. જો કોઈ અન્ય સભ્ય આવું કરતું હોય તો આખા બિલ્ડિંગ માટે આવા કડક નિયમો બનાવવા વ્યાજબી નથી."

 

અન્ય એક યુઝરે સુરક્ષા અને ગુનાહિત તત્વોના પ્રવેશનો ભય દર્શાવતા ઉર્ફીએ પોતાના મહેમાનોનો બચાવ કરતા કહ્યું હતું કે, "મારા મહેમાનો કોઈ ગુનેગાર નથી. જ્યારે ઘરનો રહેવાસી પોતે કોઈ વ્યક્તિને પોતાના ફ્લેટમાં આવવાની પરવાનગી આપી રહ્યો હોય, ત્યારે સોસાયટી કે સિક્યોરિટીને તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ." વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઉર્ફી જાવેદ તાજેતરમાં જ સની લિયોન અને કરણ કુંદ્રા સાથે ફેમસ રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા X6' હોસ્ટ કરતી જોવા મળી હતી.

(7:07 PM IST)