News of Sunday, 26th April 2026
નાસાનો પૂર્વ રિસર્ચ ફેલો કેવી રીતે બન્યો ખૂની હુમલાખોર? હિલ્ટન હોટલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગોળીબાર કરનાર એન્જિનિયરની રહસ્યમયી કહાની
વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન સુરક્ષા કોર્ડન તોડીને બોલરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર ૩૧ વર્ષીય કોલ થોમસ એલનની ધરપકડ: શોટગન, હેન્ડગન અને છરીઓ સાથે સજ્જ હુમલાખોરના આત્મઘાતી કાવતરાને સિક્રેટ સર્વિસે જીવના જોખમે નિષ્ફળ બનાવ્યો

વોશિંગ્ટન : અમેરિકાના વોશિંગ્ટન સ્થિત હિલ્ટન હોટલમાં યોજાયેલા હાઈ-પ્રોફાઈલ ડિનર કાર્યક્રમમાં થયેલા ગોળીબારે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરેલા શંકાસ્પદની ઓળખ કેલિફોર્નિયાના ૩૧ વર્ષીય એન્જિનિયર કોલ થોમસ એલન તરીકે કરી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે એલન અત્યંત ઉચ્ચ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવે છે; તેણે નાસાની પ્રખ્યાત જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં રિસર્ચ ફેલો તરીકે કામ કર્યું છે અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. એક તેજસ્વી વૈજ્ઞાનિક માનસ ધરાવતો વ્યક્તિ કેવી રીતે ઘાતક હથિયારો સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચવાના કાવતરામાં સામેલ થયો, તે અત્યારે તપાસ એજન્સીઓ માટે સૌથી મોટો વણઉકેલાયેલો કોયડો છે.
ઘટનાની વિગતો મુજબ, શનિવારે રાત્રે જ્યારે બોલરૂમમાં ૨,૫૦૦ જેટલા અગ્રણી નેતાઓ અને પત્રકારો હાજર હતા, ત્યારે એલન શોટગન, હેન્ડગન અને અનેક છરીઓ સાથે સુરક્ષા ચોકીઓ ઓળંગીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુએસ સિક્રેટ સર્વિસના સતર્ક અધિકારીઓએ તેને અટકાવતા બંને પક્ષે ગોળીબારની આપ-લે થઈ હતી. આ અથડામણમાં એક અધિકારીના બુલેટપ્રૂફ જેકેટ પર ગોળી વાગી હતી, પરંતુ સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. એફબીઆઈની પ્રાથમિક તપાસમાં આ કોઈ સંગઠિત કાવતરું નહીં પણ ‘લોન વુલ્ફ’ એટલે કે એકલદોકલ વ્યક્તિ દ્વારા કરાયેલું કૃત્ય હોવાનું જણાઈ રહ્યું છે, જોકે તેના વાસ્તવિક હેતુઓ હજુ અસ્પષ્ટ છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના બાદ સિક્રેટ સર્વિસની બહાદુરીના વખાણ કર્યા હતા અને હુમલાખોરને ‘બીમાર વ્યક્તિ’ ગણાવ્યો હતો. હુમલાખોર એલન હાલ હોસ્પિટલમાં નિરક્ષણ હેઠળ છે અને તેની સામે ફેડરલ અધિકારી પર હુમલો કરવા સહિતના ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ અમેરિકામાં હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર ફરી એકવાર ગંભીર ચર્ચા છેડી દીધી છે. સોમવારે જ્યારે એલનને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારે તેની આ હિંસક પ્રવૃત્તિ પાછળના રહસ્યો પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
