News of Friday, 6th November 2026
ભારતમાં આરામદાયક જીવન જીવવા કેટલો પગાર જોઈએ?
૨૨ વર્ષીય યુવકે રેડિટ પર કર્યો સવાલ : જાણો સાચો જવાબ

નવી દિલ્હી, તા. ૬ : ભારતમાં એક વ્યક્તિને આરામદાયક જીવન જીવવા માટે દર મહિને કેટલો પગાર મળવો જોઈએ? શું તમારા મનમાં પણ કોઈ દિવસ આવો સવાલ આવ્યો છે? કોલકાતાના એક ૨૨ વર્ષીય યુવકે આ સવાલ Reddit પર પૂછ્યો છે. યુવક હાલમાં પોતાની પહેલી નોકરી શોધી રહ્યો છે. તેણે પોતાની જરૂરિયાતો અને જીવનશૈલી વિશે પણ વાત કરી છે. તેના મતે શોખ પૂરા કરવા, ક્યારેક ફરવા જવા અને બચત કરવા માટે પૂરતા પૈસા હોય તો તે ખુશ રહી શકે છે. આ પોસ્ટ બાદ Reddit પર લોકો વચ્ચે પગાર અને જીવનશૈલીને લઈને ચર્ચા શરૂ થઈ છે.
યુવકે Redditના r/personalfinanceindia સબ-રેડિટ પર પોતાની વાત રજૂ કરી હતી. તે હાલમાં નોકરી શોધી રહ્યો છે. તેણે એક એવા પરિચિતનો ઉલ્લેખ કર્યો, જે વાર્ષિક ૨૧ લાખ રૂપિયા (21 LPA) કમાય છે અને બેંગલુરુમાં રહે છે. તેના પરિચિતે કહ્યું હતું કે બેંગલુરુમાં IT ક્ષેત્રના કેટલાક પ્રોફેશનલ્સ દર મહિને ૩ લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે અને પોતાની આવક પ્રમાણે ખર્ચ કરે છે. યુવકે વધુમાં જણાવ્યું કે તેને કપડાં, જૂતાં, ઘડિયાળ કે મોંઘા ભોજન પાછળ વધુ પૈસા ખર્ચવામાં રસ નથી. તેને ગેમિગ અને પોતાના PCનો ઉપયોગ કરવો વધુ ગમે છે.
યુવકે પૂછ્યું હતું કે એક ફ્રેશરે કેટલા પગારની નોકરીને પોતાનું લક્ષ્ય બનાવવું જોઈએ? તે પોતાના શોખ પૂરા કરવા, ક્યારેક મુસાફરી કરવા, બચત અને રોકાણ કરવા માગે છે. સાથે જ ખર્ચ કરતી વખતે સતત ચિતા કર્યા વિના સ્વતંત્ર રીતે જીવન જીવવા ઇચ્છે છે. તેના સવાલના જવાબમાં Reddit પર અનેક લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. એક યુઝરે જવાબ આપ્યો કે, કોઈ પણ વ્યક્તિ માટે પૈસા ક્યારેય પૂરતા હોતા નથી. તેણે યુવકને સલાહ આપી કે શરૂઆતમાં જે પગાર મળે તે સ્વીકારીને અનુભવ મેળવવો જોઈએ અને ત્યારબાદ સારી તક મળે ત્યારે નોકરી બદલવી જોઈએ.
અન્ય એક Reddit યુઝરે લખ્યું કે કેટલાક લોકો દરરોજ, દર કલાકે કે દર સેકન્ડે પણ ૩ લાખ રૂપિયા કમાઈ શકે છે, છતાં તેઓ સતત મહેનત કરતા રહે છે. કારણ કે તેમના માટે પણ ક્યારેય 'પૂરતું' એવું કંઈ હોતું નથી. આ રીતે યુવકના સવાલે ભારતમાં પગાર, પૈસા અને સંતોષકારક જીવનશૈલી અંગે ઓનલાઈન ચર્ચા જગાવી છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
