News of Tuesday, 15th September 2026
૨૦૨૯ની લોકસભા ચૂંટણી માટે મતદાન મથકોમાં ૪૬%નો મોટો ઉછાળોઃ RTIમાં ચોંકાવનારો ખુલાસો!
૪૮૬ કરોડનો અંદાજિત ખર્ચઃ મતદાન મથકોની આ સંખ્યા સીધી વધીને આશરે ૧૫.૩૮ લાખ સુધી પહોચશે : ચૂંટણી પંચ પાસે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનો વિશાળ સ્ટોકઃ ૩.૫૭ લાખ બેલેટ યુનિટ અને ૧.૨૫ લાખ કંટ્રોલ યુનિટનું કરાશે રિપ્લેસમેન્ટ

નવી દિલ્હી, તા.૧૫: દેશમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયું છે. માહિતી અધિકાર હેઠળ સામે આવેલી સત્તાવાર વિગતો મુજબ, ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીમાં દેશભરમાં મતદાન મથકોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળશે. આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં આશરે ૧૦.૩૭ લાખ મતદાન મથકો હતા, જે ૨૦૨૪ની ચૂંટણીમાં વધીને આશરે ૧૦.૫૨ લાખ થયા હતા. હવે ચૂંટણી પંચના અંદાજ મુજબ, ૨૦૨૯ની મહાચૂંટણીમાં મતદાન મથકોની આ સંખ્યા સીધી વધીને આશરે ૧૫.૩૮ લાખ સુધી પહોંચી જશે. એટલે કે ૨૦૨૪ની સરખામણીમાં આ સંખ્યામાં અંદાજે ૪૬ ટકા જેટલો જંગી વધારો નોંધાશે, જે દર્શાવે છે કે ચૂંટણી તંત્ર મતદારોની સુવિધા માટે દેશના મતદાન માળખાનો વ્યાપ મોટા પાયે વધારી રહ્યું છે.
આ ચૂંટણી પંચના વિગતવાર RTI જવાબમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અને તેના વર્તમાન સ્ટોક અંગે પણ મહત્ત્વની માહિતી બહાર આવી છે. પંચ પાસે હાલમાં આશરે ૩૦.૪૮ લાખ બેલેટ યુનિટ અને ૨૧.૯૨ લાખ કંટ્રોલ યુનિટ ઉપલબ્ધ છે, જ્યારે ૨૦૧૯ની ચૂંટણી વખતે આ આંકડો ઘણો ઓછો એટલે કે ૧૪.૮૮ લાખ બેલેટ યુનિટ અને ૧૧.૩૦ લાખ કંટ્રોલ યુનિટનો હતો. જોકે, ચૂંટણી પંચ ૨૦૨૯ની ચૂંટણી પહેલા નવા મશીનો ખરીદીને કાફલો અસિમિત વધારવાને બદલે મુખ્યત્વે રિપ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ યોજના હેઠળ પંચ અંદાજે ૩.૫૭ લાખ નવા બેલેટ યુનિટ અને ૧.૨૫ લાખ નવા કંટ્રોલ યુનિટ ખરીદવાની સાથેસાથે એટલી જ સંખ્યામાં જૂના અને નકામા થઈ ચૂકેલા મશીનોને નિવળત્ત કરવાની પણ પેરવી કરી રહ્યું છે, જેથી સમગ્ર પ્રક્રિયા એકદમ સુરક્ષિત અને અવિરત રહે.
આ સમગ્ર મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી પાછળ થનારા ખર્ચ વિશે વાત કરીએ તો, ચૂંટણી પંચ દ્વારા ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પૂર્વે માત્ર EVM અને VVPAT ની ખરીદીનો કુલ અંદાજિત ખર્ચ અંદાજે ૪૮૬ કરોડ રૂપિયા જેટલો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં મશીનનું મહત્ત્વ ઘણું વિશેષ છે, કારણ કે આ પ્રક્રિયા દ્વારા દરેક મતદાતા પોતાના મતની ખરાઈ કરી શકે છે. મતદાર જે ઉમેદવારને વોટ આપે છે તેની સ્લિપ આ પારદર્શક મશીનની બારી પાછળ થોડી ક્ષણો માટે પ્રદર્શિત થાય છે, જે ત્યારબાદ આપોઆપ સીલબંધ બોક્સમાં સુરક્ષિત રીતે જમા થઈ જાય છે, જેનાથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
