<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

તમિલનાડુમાં ભારે રાજકીય ભૂકંપ: AIADMK ના 3 ધારાસભ્યોના રાજીનામા : મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVK માં જોડાતા ખળભળાટ

આંતરિક વિખવાદથી ઘેરાયેલી AIADMK ને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો: પોતાના પરંપરાગત ગઢ ગણાતા પશ્ચિમ કોંગુ ક્ષેત્રના નેતાઓએ પણ પક્ષ છોડતા એડાપ્પડી પલાનીસ્વામીની ચિંતા વધી

ચેન્નઈ: તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ તમિલનાડુના રાજકારણમાં આવેલો ગરમાવો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. વિપક્ષી દળ AIADMKને  એક મોટો રાજકીય ફટકો પડ્યો છે. પાર્ટીના ત્રણ અગ્રણી ધારાસભ્યો - મદુરંતકમથી માર્ગથમ કુમારવેલ, ધારાપુરમથી પી. સત્યભામા અને પેરુન્દુરાઈથી એસ. જયકુમારે પોતાના ધારાસભ્ય પદ પરથી સત્તાવાર રાજીનામું આપી દીધું છે. આ ત્રણેય નેતાઓએ સચિવાલયમાં વિધાનસભા અધ્યક્ષ જેસીડી પ્રભાકર સાથે મુલાકાત કરીને પોતાના રાજીનામા સુપરત કર્યા હતા, જેને સ્પીકરે તાત્કાલિક મંજૂર પણ કરી દીધા છે. આ આકસ્મિક ઘટનાક્રમથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ આ ત્રણેય પૂર્વ ધારાસભ્યો મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની સત્તાધારી પાર્ટી, તમિલનાડુ વેત્રી કઝગમ (TVK) માં સામેલ થઈ ગયા છે. તેઓ સીધા ટીવીકે સરકારના પ્રભાવશાળી મંત્રી આધવ અર્જુનને મળવા તેમના કાર્યાલય પહોંચ્યા હતા અને વિધિવત રીતે પક્ષનો છેડો ફાડી નવો ખેસ ધારણ કર્યો હતો. આ નેતાઓ પૈકી ધારાપુરમ અને પેરુન્દુરાઈ પશ્ચિમ કોંગુ ક્ષેત્રમાં આવે છે, જેને પરંપરાગત રીતે AIADMK નો સૌથી મજબૂત ગઢ માનવામાં આવતો હતો. પોતાના જ ગઢમાં ગાબડું પડવાને કારણે પક્ષના વડા એડાપ્પડી કે. પલાનીસ્વામી  માટે નેતૃત્વનું નવું સંકટ ઊભું થયું છે.

વાસ્તવમાં, આ બળવાની પટકથા ગત ૧૩ મેના રોજ યોજાયેલા ફ્લોર ટેસ્ટ દરમિયાન જ લખાઈ ગઈ હતી. આ ધારાસભ્યોએ પક્ષના વ્હીપ (આદેશ) નું સરેઆમ ઉલ્લંઘન કરીને સીએમ વિજયની ટીવીકે સરકારના સમર્થનમાં મતદાન કર્યું હતું, જે સી.વી. શનમુગમના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથનો ભાગ હતા. એક તરફ ત્રણ ધારાસભ્યોના રાજીનામાથી AIADMK નું સંખ્યાબળ ઘટીને ૪૪ થઈ ગયું છે, તો બીજી તરફ પક્ષમાં હજુ પણ ભારે ખેંચતાણ ચાલુ છે. ષણમુગમ-વેલુમણી જૂથના પાંચ ધારાસભ્યોએ (જેમાં આર્કોટના એસએમ સુકુમાર સામેલ છે) ફરીથી પલાનીસ્વામી છાવણીમાં ઘરવાપસી કરી છે, જેના કારણે પલાનીસ્વામીના વફાદારોની સંખ્યા ૨૭ પર પહોંચી છે. સુપરસ્ટારમાંથી સીએમ બનેલા વિજયની ટીવીકે પાર્ટી અન્ય વિપક્ષી નેતાઓને આકર્ષીને સતત પોતાની પકડ મજબૂત કરી રહી છે, જ્યારે ગંભીર આંતરિક કટોકટીમાં ફસાયેલી AIADMK માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો મોટો પડકાર ઊભો થયો છે.

(5:48 PM IST)