News of Wednesday, 23rd September 2026
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મુક્તિ માર્ચ પહેલા શાહબાઝ સરકારમાં ભારે ફાફડાટ: ઇસ્લામાબાદમાં ૨,૦૦૦થી વધુ કન્ટેનર્સ ખડકાયા: હોસ્પિટલોમાં ‘ઈમરજન્સી’ જાહેર
PTIના ૨૭ સપ્ટેમ્બરના પ્રદર્શનને પગલે પાક. વહીવટીતંત્ર એક્શન મોડમાં: ૨૦,૦૦૦ સુરક્ષાકર્મીઓ તૈનાત: માસ કેઝ્યુઅલ્ટી માટે તબીબી સ્ટાફની રજાઓ રદ અને ઈમરાન ખાનની બહેનો સહિત ૧૫૦૦થી વધુ કાર્યકરોની અટકાયત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સ્થાપક ઇમરાન ખાનની જેલમુક્તિની માંગ સાથે આગામી ૨૭ સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં યોજાનારા વિરોધ પ્રદર્શનને પગલે શાહબાઝ શરીફ સરકારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ઓગસ્ટ ૨૦૨૩થી અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસ સહિત અનેક કેસોમાં ૧૪ વર્ષની જેલની સજા ભોગવી રહેલા ઇમરાન ખાનની મુક્તિ અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે યોજાનારી આ કૂચ પહેલા પાકિસ્તાની વહીવટીતંત્રે સમગ્ર રાજધાનીને છાવણીમાં ફેરવી દીધી છે.
રાજધાની ઇસ્લામાબાદ તરફ જતા તમામ મુખ્ય માર્ગો પર ૨,૦૦૦થી વધુ શિપિંગ કન્ટેનરો મૂકીને સીલ કરી દેવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓ કન્ટેનરોને હટાવી ન શકે તે માટે તેને એકબીજા સાથે વેલ્ડિંગ કરી દેવાયા છે અને અંદર રેતી તથા કાંકરી ભરી દેવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાક સ્થળોએ કન્ટેનરના બહારના ભાગે તીક્ષ્ણ લોખંડના ખીલા પણ જડવામાં આવ્યા હોવાના અહેવાલો છે. ડી-ચોકને ડબલ લેયર કન્ટેનરથી સીલ કરી દેવાયો છે, જ્યારે નાદરા ચોક, સેરેના ચોક, મેરિયટ ચોક, ઝીરો પોઇન્ટ, માર્ગલા રોડ અને શ્રીનગર હાઇવે સંપૂર્ણપણે બ્લોક કરી દેવાયા છે. ખૈબર પખ્તુનખ્વાથી (જ્યાં PTI ની સરકાર છે) આવતા સમર્થકોને રોકવા માટે અટોક બોર્ડર પર કડક નજર રાખવામાં આવી રહી છે.
ઇસ્લામાબાદની તમામ મુખ્ય હોસ્પિટલોને ૩૦ સપ્ટેમ્બર સુધી હાઇ એલર્ટ પર રાખીને "સામૂહિક અકસ્માત"જેવી કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા કડક આદેશો અપાયા છે.
આ માર્ચને જમાત-એ-ઇસ્લામી, કિસાન ઇત્તેહાદ પાકિસ્તાન અને PTIની ખેડૂત પાંખ તરફથી પણ સમર્થન સાંપડ્યું છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. પ્રદર્શન પહેલાં જ પાકિસ્તાની સરકારે દમનકારી નીતિ અપનાવીને ઈમરાન ખાનની ત્રણ બહેનો – અલીમા ખાન, નૂરીન નિયાઝી અને ઉઝમા ખાનની મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર (MPO) હેઠળ અટકાયત કરી લાહોરની કોટ લખપત જેલમાં મોકલી આપી છે. PTI ના ચેરમેન બેરિસ્ટર ગોહરના જણાવ્યા મુજબ, દેશભરમાંથી ૧,૫૦૦થી વધુ પાર્ટી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદો હાથમાં લેનાર કે રસ્તા રોકનાર સામે સખત કાર્યવાહી થશે, જ્યારે સામે પક્ષે PTI એ લાખો કાર્યકર્તાઓ સાથે ઇસ્લામાબાદ તરફ કૂચ કરવાનો દાવો કરતા ૨૭ સપ્ટેમ્બરે મોટા રાજકીય ટકરાવના એંધાણ વર્તાઈ રહ્યા છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
